Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

કોંગ્રેસની અંદર પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદની હિંદુત્વની ટિપ્પણીને લઈને મતભેદ સામે આવ્યા

આપણે ભલે હિંદુત્વને હિન્દુ ધર્મની મિશ્ર સંસ્કૃતિથી અલગ એક રાજકીય વિચારધારા માનીને તેની સાથે અસહમત હોઈએ, પરંતુ હિન્દુત્વની તુલના ISIS અને જેહાદી ઈસ્લામ સાથે કરવી એ હકીકતમાં ખોટું અને અતિશયોક્તિ છે: સલમાન ખુર્શીદ

નવી દિલ્‍હી : કોંગ્રેસની અંદર પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદની હિંદુત્વની ટિપ્પણીને લઈને મતભેદ સામે આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ખુર્શીદના નવા પુસ્તકમાં હિંદુત્વને લગતી ટિપ્પણી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુરુવારે ખુલ્લેઆમ અસંમતિ બતાવી. આઝાદે સ્પષ્ટ કહ્યું કે હિંદુત્વની ISIS સાથે સરખામણી કરવી ખોટી અને અતિશયોક્તિ ભરી છે. વિવાદ વધતાં ખુર્શીદનો ખુલાસો પણ સામે આવ્યો છે. ખુર્શીદે એક ન્યૂઝ ચેનલને કહ્યું, 'હિન્દુ ધર્મ ખૂબ જ ઉચ્ચ સ્તરનો ધર્મ છે. આ માટે ગાંધીજીએ આપેલી પ્રેરણાથી મોટી કોઈ પ્રેરણા હોઈ શકે નહીં. કોઈ નવુ લેબલ લગાવી લે તો હું તેને કેમ માનું? જો કોઈ હિન્દુ ધર્મનું અપમાન કરે તો પણ હું બોલીશ. મેં કહ્યું કે હિન્દુત્વની રાજનીતિ કરનારા ખોટા છે અને ISIS પણ ખોટું છે.

ખુર્શીદના પુસ્તકનો ઉલ્લેખ કરતા, આઝાદે ટ્વિટ કર્યું, આપણે ભલે હિંદુત્વને હિન્દુ ધર્મની મિશ્ર સંસ્કૃતિથી અલગ એક રાજકીય વિચારધારા માનીને તેની સાથે અસહમત હોઈએ, પરંતુ હિન્દુત્વની તુલના ISIS અને જેહાદી ઈસ્લામ સાથે કરવી એ હકીકતમાં ખોટું અને અતિશયોક્તિ છે.

(1:03 am IST)