Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સએક્સનું અવકાશયાન ચાર અવકાશયાત્રીઓને લઈને સ્પેસ સ્ટેશન પહોંચ્યું ને અનોખો વિક્રમ સ્‍થાયો

૧૯૬૧માં રશિયન અવકાશયાત્રી યુરી ગાગરિને અંતરિક્ષયાત્રા કરી હતી

નવી દિલ્‍હી : સએક્સનું અવકાશયાન ચાર અવકાશયાત્રીઓને લઈને સ્પેસ સ્ટેશન પહોંચ્યું તે સાથે જ એક અનોખો વિક્રમ બન્યો હતો. ૬૦ વર્ષમાં ૬૦૦ પૃથ્વીવાસીઓ અંતરિક્ષની યાત્રા કરી ચૂક્યા છે. ૧૯૬૧માં રશિયન અવકાશયાત્રી યુરી ગાગરિને અંતરિક્ષયાત્રા કરી હતી. જર્મનીના મથાયસ માઉરર ૬૦૦મા અવકાશયાત્રી બન્યા હતા.

સ્પેસ એક્સના અવકાશયાનમાં ચાર અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા.

અમેરિકાએ રવાના કરેલા આ અવકાશયાનમાં જર્મનીના મથાયસ માઉરર સવાર થયા હતા અને તેમના નામે અનોખો વિક્રમ બન્યો હતો. મથાયસ માઉરર ૬૦૦મા પૃથ્વીવાસી છે, જેમણે અવકાશયાત્રા કરી હોય.
૧૯૬૧માં રશિયન પાયલટ યુરી ગાગરિન અંતરિક્ષયાત્રા કરનારા પ્રથમ માનવી બન્યા હતા. તે પછી ૬૦ વર્ષમાં ૬૦૦ પૃથ્વીવાસીઓએ અવકાશયાત્રા કરી છે. ઈલોન મસ્કના સ્પેસએક્સ અવકાશયાનને નાસાએ લોંચ કર્યું હતું. નાસા-સ્પેસએક્સનું અવકાશયાન એક સપ્તાહ પછી લોંચ થયું હતું. ખરાબ વાતાવરણના કારણે નિયત સમય કરતાં તેને મોડું લોંચ કરાયું હતું. મેક્સિકોની ખાડીમાં છેલ્લાં ઘણા દિવસથી વાતાવરણ ખૂબ જ ખરાબ હતું, તેના કારણે સ્પેસ સ્ટેશન માટે રવાના થનારા અને પાછા આવનારા - એમ બંને યાનોને થોડા સમય માટે રોકી રાખવામાં આવ્યા હતા.
રસપ્રદ બાબત એ છે કે અવકાશ સંશોધનમાં અમેરિકાનો દબદબો રહ્યો છે. ચંદ્ર ઉપર અમેરિકાએ પ્રથમ વખત માનવીને ઉતારવાનું શ્રેય મેળવ્યું હતું, પરંતુ અંતરિક્ષમાં પ્રથમ માનવી મોકલવાનો યશ રશિયાના નામે બોલે છે. એ જ રીતે ૬૦૦મા અવકાશયાત્રી પણ અમેરિકન નહીં, પરંતુ જર્મન નાગરિક છે.
આ ઐતિહાસિક મિશનના કમાન્ડર ભારતીય મૂળના નાગરિક છે. ચાર અંતરિક્ષયાત્રા સાથે સ્પેસ સ્ટેશન પહોંચેલા આ સ્પેસએક્સ યાનના કમાન્ડર રાજા ચારી અમેરિકન વાયુસેનાના પાયલટ છે.
યુરી ગાગરિન પહેલી વખત અંતરિક્ષમાં પહોંચ્યા ત્યારથી લઈને છેલ્લાં ૬૦ વર્ષમાં ૬૦૦ માનવીઓએ અંતરિક્ષની સૈર કરી હતી. એનો અર્થ એવો થાય કે આટલા વર્ષોમાં દર વર્ષે સરેરાશ ૧૦ માનવીઓએ અવકાશયાત્રા કરી હતી. હવે ખાનગી કંપનીઓએ પણ સ્પેસ ટૂરિઝમમાં ઝંપલાવ્યું હોવાથી અંતરિક્ષયાત્રા કરનારા માનવીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. આગામી થોડાંક વર્ષોમાં જ આ આંકડો ૧૦૦૦ને પાર કરી જાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.

(12:00 am IST)