Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

લખનૌમાં પણ ઝિકા વાયરસના પ્રથમ બે કેસ સામે આવતા ચિંતાના વાદળો ઘેરાયા તંત્ર સાબદુ થયુ

લખનૌ: લખનૌમાં ઝિકા વાયરસના પ્રથમ બે કેસ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. બંને દર્દીઓ અલગ-અલગ વિસ્તારના રહેવાસી છે. આરોગ્ય વિભાગની ટીમે રાત્રે જ તે વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. કોરોના, ડેન્ગ્યુ બાદ હવે ઝિકા વાયરસે દસ્તક આપી છે. જેના કારણે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. હુસૈનગંજના ફુલબાગના રહેવાસી પુરૂષમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ છે.

તાવ આવ્યા બાદ દર્દીની તપાસ કરવામાં આવી હતી. જ્યારે બીજો કેસ, કૃષ્ણનગરની રહેવાસી 24 વર્ષીય મહિલાને પણ ઝિકા વાયરસની પુષ્ટિ થઈ છે.

ડેપ્યુટી સીએમઓ ડૉ. મિલિંદ વર્ધને જણાવ્યું કે, અત્યાર સુધી મહિલામાં કોઈ પણ પ્રકારના લક્ષણ નથી. જ્યારે બીજો દર્દી તપાસ કરાવીને બિનજિલ્લામાં ગયો છે. બંને દર્દીઓની તબિયત સામાન્ય છે. દર્દીઓમાં ઝીકાની પુષ્ટિ થયા બાદ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રાત્રે દર્દીના ઘર અને તેની આસપાસના સંપર્કનું ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું. રાહતની વાત એ છે કે દર્દીની આસપાસના લોકોમાં તાવની પુષ્ટિ થઈ નથી. દર્દીના પરિવારના ચાર સભ્યોના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા છે. 50 ઘરોમાં કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી.

ઝિકા વાયરસના દર્દીઓ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. CMOની સૂચના પર લોકબંધુ હોસ્પિટલમાં ત્રણ બેડનો ઝિકા વોર્ડ બનાવવામાં આવ્યો છે. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અજય શંકર ત્રિપાઠીએ જણાવ્યું કે ત્રણ બેડનો આઇસોલેશન ઝિકા વોર્ડ બનાવવામાં આવ્યો છે. જરૂર પડ્યે બેડની સંખ્યા વધારવામાં આવશે. તમામ હોસ્પિટલોમાં અલગ-અલગ ઝિકા વોર્ડ બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

(12:09 am IST)