Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સદીનું લાંબુ આંશિક ચંદ્ર ગ્રહણ તારીખ ૧૮-૧૯ના દેખાશે અમેરિકાના પ૦ રાજયોમાં જોઇ શકાશે

આટલુ લાંબુ ચંદ્ર ગ્રહણ પ૦૦ વર્ષ પછી થઇ રહ્યું છે

નવી દિલ્‍હી :  આ સદીનું સૌથી લાંબુ આંશિક ચંદ્ર ગ્રહણ 18-19 નવેમ્બરે દેખાશે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, તે અમેરિકાના 50 રાજ્યોમાં દેખાશે. આટલું લાંબુ ચંદ્ર ગ્રહણ 580 વર્ષ બાદ થઈ રહ્યું છે. આથી, દુનિયાભરના વૈજ્ઞાનિક આ નજારાને કેમેરામાં કેદ કરવા માટે તૈયાર બેઠા છે. આ આંશિક ચંદ્ર ગ્રહણ 3 કલાક, 28 મિનિટ અને 23 સેકન્ડ લાંબુ હશે. અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAના જણાવ્યા અનુસાર, 580 વર્ષ બાદ આટલું લાંબુ ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે.

પરંતુ, જે સમયે અમેરિકામાં લોકો ચંદ્ર ગ્રહણનો નજારો જોઈ રહ્યા હશે, તે સમયે ભારતના લોકો દિવસમાં પોતાનું કામ કરી રહ્યા હશે. આ ચંદ્ર ગ્રહણને ધ માઈક્રો બીવર મૂન (The Micro Beaver Moon) કહેવાય છે. કારણ કે, તે ધરતીથી અધિકતમ અંતરે રહે છે. આ જ સમયે અમેરિકામાં જળબિલાડી એટલે કે બીવરને પકડવામાં આવે છે. આથી, તેનું નામ કંઈક આ પ્રકારનું રાખવામાં આવ્યું છે.

ઈન્ડિયાનાની બટલર યુનિવર્સિટી સ્થિત હોલકોમ્બ ઓબ્ઝરવેટરીના જણાવ્યા અનુસાર, આંશિક ચંદ્ર ગ્રહણનો મતલબ થાય છે કે, જ્યારે ધરતીનો પડછાયો ચંદ્ર પર માત્ર 97 ટકા હિસ્સાને જ કવર કરે. આ ચંદ્ર ગ્રહણ આ સદીનું સૌથી લાંબુ આંશિક ચંદ્ર ગ્રહણ હશે. આ અગાઉ વર્ષ 2018માં એક કલાક અને 43 મિનિટનું ચંદ્ર ગ્રહણ લાગ્યું હતું. જ્યારે, આ વખતે થનારું ચંદ્ર ગ્રહણ 3 કલાક, 28 મિનિટ અને 23 સેકન્ડ લાંબુ હશે. આ ઘટના 580 વર્ષ બાદ જોવા મળી રહી છે.

ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે, જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે ધરતી આવી જાય છે. ધરતીના પડછાયાને કારણે ચંદ્રનો પ્રકાશ જમીન પર નથી દેખાતો. ધરતીનો પડછાયો આખા ચંદ્રને કવર કરી શકે છે. અથવા તો આંશિકરીતે કવર કરે છે. જેને કારણે ઘણીવાર ચંદ્ર લાલ રંગનો પણ દેખાય છે. આવુ એટલા માટે થાય છે, કારણ કે સૂર્યનો પ્રકાશ ધરતીના ડાર્ક હિસ્સા સાથે ડાયરેક્ટ નથી અથડાતો. તે વળાંક લઈને આપણા વાયુમંડળમાંથી થઈને પસાર થાય છે. જેવી લાલ અને નારંગી વેવલેન્થ ધરતીના વાયુમંડળમાંથી પસાર થાય છે, તે મહોગની લાલ રંગ ઉત્પન્ન કરે છે, જેને કારણે ચંદ્ર લાલ દેખાય છે.

આ ચંદ્ર ગ્રહણ ઉત્તરી અમેરિકા, પ્રશાંત મહાસાગરના દ્વીપ અને દેશ, અલાસ્કા, પશ્ચિમી યુરોપ, પૂર્વી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાનના લોકો જોઈ શકશે. આ ચંદ્ર ગ્રહણનો શરૂઆતી હિસ્સો એટલે કે ચંદ્ર ઉગવાના થોડાં સમય સુધીનો નજારો પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ દેખાશે. જ્યારે દક્ષિણ અમેરિકા અને પશ્ચિમી યુરોપના લોકો ચંદ્ર ગ્રહણનો ઉચ્ચતમ સ્તર જોઈ શકશે. આફ્રિકા, મધ્ય-પૂર્વ અને પશ્ચિમી એશિયામાં આ ચંદ્ર ગ્રહણ નહીં દેખાશે. ત્યારબાદ બીજું ચંદ્ર ગ્રહણ 15-16 મે, 2022ના રોજ દેખાશે. ત્યારબાદ વધુ એક ચંદ્ર ગ્રહણ 7-8 નવેમ્બરે થશે. જેને ઘણા દેશના લોકો જોઈ શકશે.

(11:41 pm IST)