Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

કોવિડને કારણે કરતારપુર કોરિડોર પણ નહિ ખોલવાનો તંત્રનો નિર્ણય

અટારીવાઘા બોર્ડરથી ફકત ૧પ૦૦ યાત્રાળુઓ જ જઇ શકશે

નવી દિલ્‍હી : ગુરુ પર્વ ના અવસર પર પણ કરતારપુર કોરિડોર  નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જણાવવામાં આવી રહ્યું છે કે અટારી-વાઘા બોર્ડરથી 1500 શ્રદ્ધાળુઓનો સમૂહ પાકિસ્તાન જઈ શકશે. મળતી માહિતી મુજબ 17થી 26 નવેમ્બરની વચ્ચે 1,500 શ્રદ્ધાળુનો સમૂહ ભૂમિ સરહદ એટલે કે અટારી વાઘાથી પાકિસ્તાન જઈ શકશે.

હકીકતમાં ગયા વર્ષે માર્ચમાં કોવિડને કારણે કરતારપુર કોરિડોર બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ ઘણા સમયથી તેને ખોલવાની માંગ કરવામાં આવી રહી હતી. જો કે સરકારે તેને હાલ પુરતો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને કરતાપુર કોરિડોર ખોલવાની અપીલ કરી હતી.

સરકારના આ નિર્ણય વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીના કારણે કરતારપુર કોરિડોરની હિલચાલ ગયા વર્ષે માર્ચમાં સ્થગિત કરવામાં આવી હતી. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અટારી વાઘાથી સીમિત ધોરણે મુસાફરી કરવામાં આવી રહી છે. કોઈપણ પક્ષ તેના હાલના નિયમો અને આરોગ્ય માર્ગદર્શિકાઓનું પાલન કરે છે.

17થી 26 નવેમ્બર દરમિયાન 1,500 શ્રદ્ધાળુ પાકિસ્તાનના આ ગુરુદ્વારાની મુલાકાત લેશે

ગુરૂપર્વ સાથે જોડાયેલ મહત્વ અને ભાવનાઓને ધ્યાનમાં રાખીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે લગભગ 1500 શ્રદ્ધાળુનો સમૂહ 17-26 નવેમ્બર 2021 દરમિયાન અટારી-વાઘા ICP દ્વારા પાકિસ્તાનની મુલાકાત લેશે. આ મુલાકાત ભારત અને પાકિસ્તાન વચ્ચે ધાર્મિક યાત્રાધામોની મુલાકાતપર 1974ના દ્વિપક્ષીય પ્રોટોકોલ હેઠળ આવરી લેવામાં આવી છે.

આ દરમિયાન શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા શ્રી દરબાર સાહિબ, ગુરુદ્વારા શ્રી પંજા સાહિબ, ગુરુદ્વારા શ્રી દેહરા સાહિબ, ગુરુદ્વારા શ્રી નનકાના સાહિબ, ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબ અને ગુરુદ્વારા શ્રી સચ્ચા સૌદાની મુલાકાત લેવાના છે.

પાકિસ્તાને પણ કરતારપુર કોરિડોર ખોલવાની અપીલ કરી છે

અગાઉ મંગળવારે પાકિસ્તાને પણ ભારતને કરતારપુર કોરિડોર ફરીથી ખોલવા અને શીખ તીર્થયાત્રીઓને ગુરુ નાનક દેવની જન્મજયંતિની ઉજવણી માટે પવિત્ર સ્થળની મુલાકાત લેવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે "ભારતે હજુ સુધી તેની બાજુથી કોરિડોર ખોલ્યો નથી અને તીર્થયાત્રીઓને કરતારપુર સાહિબ જવાની મંજૂરી આપી નથી. અમે 17થી 26 નવેમ્બર સુધી ગુરુ નાનક દેવની જન્મજયંતિની ઉજવણી માટે ભારત અને વિશ્વભરના આવતા ભક્તોની મેજબાની માટે ઉત્સુક છીએ.

(9:47 pm IST)