Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સુલ્તાનપુર લોધી : બેર સાહિબ ગુરુદ્વારામાં રાષ્ટ્રપતિ પહોંચ્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પત્નિ સાથે મસ્તક ઝુંકાવ્યું : ૫૫૦માં પ્રકાશ પર્વને ધ્યાનમાં લઇ વિશેષ સુરક્ષા વ્યવસ્થા

કપૂરથલા, તા. ૧૨ : ગુરુનાનક દેવના ૫૫૦માં પ્રકાશ પર્વની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. પ્રકાશ પર્વની પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી બાજુ પંજાબના સુલ્તાનપુર લોધીમાં સ્થિત ગુરુદ્વારા બેરસાહિબમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્નિ સવિતા કોવિંદે હાજરી આપીને વિશેષરીતે પૂજા કરી હતી. રાષ્ટ્રપતિ અને તેમના પત્નિએ બેરસાહિબમાં માથુ નમાવ્યું હતું. બેરસાહિબ ગુરુદ્વારામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિર ઝુકાવવા માટે પહોંચ્યા હતા. આને લઇને ગુરુદ્વારાને વિશેષરીતે શણગારવામાં આવ્યું હતું. અહીં લોકોની સુરક્ષા માટે પણ વિશેષ પગલા લેવામાં આવ્યા હતા. ગુરુનાનક દેવની ૫૫૦માં પ્રકાશ પર્વની પૂર્વ સંધ્યાએ પ્રાર્થના કરવા માટે લોકો ગુરુદ્વારામાં એકત્રિત થયા હતા. ગુરુનાનક દેવે પોતાના પ્રારંભિક જીવનના ૧૪ વર્ષ સુલ્તાનપુર લોધીમાં ગાળ્યા હતા. સાથે સાથે પવિત્ર નદી કાળીબેઇનમાં દરરોજ સ્નાન કરતા હતા.

                    આ ગાળા દરમિયાન દિલ્હીમાં, ગુરુદ્વારા બંગલા સાહિબ અને ગુરુદ્વારા પ્રતાપગંજ સહિત જુદા જુદા વિસ્તારમાં પૂજા કરવા માટે પહોંચતા હતા. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે સુલ્તાનપુર લોધીમાં કહ્યું હતું કે, કરતારપુર ગુરુદ્વારા જવા માટે શીખ સમુદાયના લોકોના સપનાને હકીકતમાં બદલી દેવા માટે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો આભાર માને છે. કારણ કે, કરતારપુર ગુરુદ્વારા જવાની શીખ સમુદાયની વર્ષોની ઇચ્છા હતી. તેમને આશા છે કે, આવી જ રીતે પાકિસ્તાનના અન્ય ગુરુદ્વારા પણ ભારતીય સમુદાયના દર્શન માટેના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. સુલ્તાનપુર લોધીને લઇને આજે શ્રદ્ધાળુઓમાં ખુબ ઉત્સુકતા રહી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા બાદ સુરક્ષા મજબૂત રાખવામાં આવી હતી.

(7:44 pm IST)