Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ભારતમાં સ્થિતિ ખુબ નાજુક બનેલી છે : વોડાફોનનો મત

કંપનીનું ભાવિ અદ્ધરતાલ રહેલું છે : વોડાફોન : લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ ચાર્જને લઇ સરકાર પર પ્રહાર સરકાર સમક્ષ રાહત પેકેજની ઉગ્ર માંગણી કરવામાં આવી

નવીદિલ્હી, તા. ૧૨ : વોડાફોને કહ્યું છે કે, ભારતમાં તેની સ્થિતિ ખુબ ખરાબ થઇ ચુકી છે. કંપનીનું ભાવિ અદ્ધરતાલ રહેલું છે. વોડાફોને કબૂલાત કરતા કહ્યું છે કે, ભારતમાં તેનું ભવિષ્ય એ વખત સુધી સુધરશે નહીં જ્યાં સુધી સરકાર ઓપરેટરો ઉપર વધારે ટેક્સ અને ચાર્જ લાગૂ કરતી રહેશે. તેમનો ઇશારો સરકારની તરફથી લાગૂ કરવામાં આવેલી લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુજેસ ચાર્જને લઇને હતો. વોડાફોનના સીઈઓ નિક રીડે આજે કહ્યું હતું કે, અયોગ્ય રેગ્યુલેશન અને ખુબ વધારે પડતા ટેક્સના પરિણામ સ્વરુપે નાણાંકીયરીતે તેમની સાથે સાથે અન્ય ઓપરેટરો ઉપર પણ બોજ વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પણ ચુકાદો તેમની તરફેણમાં આવ્યો નથી. સરકારે વોડાફોન-આઈડિયા પર લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે ચુકવવા આશરે ૪૦૦૦૦ કરોડ રૂપિયા ચુકવવા માટે કહ્યું હતું. સરકારના આ ફેંસલાને સુપ્રીમ કોર્ટમાં પણ યોગ્ય જાળવી રાખવામાં આવ્યો હતો.

                   ભારતમાં ટેલિકોમ ઓપરેટરોના ભવિષ્ય ઉપર ટિપ્પણી કરીને વોડાફોનના સીઈઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્થિતિ જટિલ હોવાની વાત અમે નિખાલસરીતે કરીએ છીએ. ગયા મહિનામાં આ બ્રિટિશ ઓપરેટરે કહ્યું હતું કે, ભારતીય મિડિયામાં જુઠ્ઠાણા અને આધારવગરની અફવાઓ ચાલી રહી છે. આમા કહેવામાં આવી રહ્યું હતું કે, અમે માર્કેટમાંથી બહાર નિકળવાનો રસ્તો શોધી રહ્યા છીએ પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે, આ પ્રકારની કોઇ યોજના નથી. વોડાફોને સરકાર સમક્ષ રાહત પેકેજની માંગ કરી છે જેમાં બે વર્ષના સ્પેક્ટ્રમ પેમેન્ટને ખતમ કરવા લાયસન્સ ફી અને ટેક્સને ઘટાડી દેવા અને સુપ્રીમ કોર્ટવાળા મામલામાં વ્યાજ અને દંડને માફ કરવાની બાબત સામેલ છે. વોડાફોનની હાલત હાલમાં કફોડી બનેલી છે. અન્ય ટેલિકોમ ઓપરેટરો પણ મુશ્કેલરુપ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

(7:42 pm IST)