Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

શશી થરુર સામે જામીનપાત્ર વોરંટ : હાજર રહેવા આદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિવેદન શશી થરુરને ભારે પડ્યું : ૨૭મી નવેમ્બરના દિવસે ઉપસ્થિત રહેવા માટેનો આદેશ

નવીદિલ્હી, તા. ૧૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને શિવલિંગ સૂચનો કરવા બદલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુર સામે જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. શિવલિંગ પર વિંછીને લઇને શશી થરુર દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઇને શશી થરુરની મુશ્કેલી વધી ગઈ છે. શશી થરુરને ૨૭મી નવેમ્બરના દિવસે કોર્ટમાં ઉપસ્થિત થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નવીનકુમાર કશ્યપ દ્વારા કોંગ્રેસી નેતા સામે વોરંટ જારી કરવામાં આવ્યું છે. આમા જણાવવામાં આવ્યું છે કે, શશી થરુર અથવા તો તેમના વકીલ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા નથી. મેજિસ્ટ્રેટે ફરિયાદ પર રૂપિયા ૫૦૦નો દંડ લાગૂ કર્યો હતો. દિલ્હી ભાજપના નેતા રાજીવ બબ્બર પણ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહી શક્યા ન હતા. જો કે, રાજીવ બબ્બર તરફથી તેમના વકીલે હાજરી આપી હતી. ફરિયાદી અથવા તો તેમના વકીલ તરફથી ઉપસ્થિત કોઇ વ્યક્તિ ન રહેતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

                  બીજી બાજુ એક મુક્તિ અરજી પણ ફરિયાદી તરફથી દાખલ કરવામાં આવી છે. સ્વરુપમાં આ પ્રકારની અરજીમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે, અંગત મુશ્કેલીમાં છે પરંતુ તમામ અરજીઓમાં આ પ્રકારની બાબતનો ઉલ્લેખ કરી શકાય નહીં. કાયદાકીય બાબતોને ધ્યાનમાં લઇને શશી થરુર સામે જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. કોર્ટે શશી થરુર અને તેમના વકીલ તરફથી કોઇ હાજર ન રહેતા આનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટ બબ્બર દ્વારા થરુર સામે દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદના મામલામાં સુનાવણી હાથ ધરી હતી. કોંગ્રેસી નેતાના નિવેદનના પરિણામ સ્વરુપે ધાર્મિક ભાવનાઓને ઠેસ વાગી છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં શશી થરુરે મોદીને લઇને આ પ્રકારની ટિપ્પણી કરી હતી. ત્યારબાદથી હોબાળો મચેલો છે.

(7:40 pm IST)