Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ખુબ ઉતાવળમાં કામ કર્યું : કોંગ્રેસ

રાષ્ટ્રપતિ શાસન બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા આવી : તમામ વિકલ્પ તરફ ગંભીર ધ્યાન આપ્યા વિના રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવા રાષ્ટ્રપતિને ભલામણ મોકલી

મુંબઈ, તા. ૧૨ : કોંગ્રેસ પાર્ટીએ આજે કહ્યું હતું કે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સરકારની રચના કરવા માટે તમામ વિકલ્પોને ચકાસ્યા વગર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરતો તેમનો અહેવાલ મોકલવામાં ખુબ ઉતાવળ કરી હતી. શિવસેનાને સોમવારના દિવસે સરકારની રચના કરવાના તેના પ્રયાસોને મોટી પીછેહઠ સાંપડી હતી. કારણ કે, રાજ્યપાલે વધારે સમય આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

                     કોંગ્રેસ પાર્ટીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યા બાદ સ્થિતિ વધારે જટિલ બની ગઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સચિન સાવંતે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે, રાજ્યપાલે એનસીપીને આજે ૮.૩૦ વાગ્યાનો સમય આપ્યો હતો પરંતુ તે પહેલા જ રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું છે. સરકાર રચવાની તક એનસીપીને આપવામાં આવી હતી પરંતુ રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ રાષ્ટ્રપતિને પણ મોકલી દીધી હતી. તમામ વિકલ્પોની ચકાસણી કર્યા વગર જે રીતે ઉતાવળમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું છે તે બાબત વખોડવા પાત્ર છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આને લઇને અનેક પ્રશ્નો ઉભા થાય છે. રાજ્યપાલની નિષ્પક્ષતાને લઇને પ્રશ્નો ઉભા થાય છે. ઉપરાંત રાજ્યપાલ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે કે કેમ તે પણ પ્રશ્ન ઉભા થાય છે. અન્ય કોંગ્રેસી નેતા જે ૧૩મી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે હતા તેમણે કહ્યું છે કે, રાજ્ય વિધાનસભાની અવધિ નવમી નવેમ્બરના દિવસે પૂર્ણ થઇ ચુકી છે. સરકારની રચના કરવાના પ્રયાસોને રોકવામાં આવી રહ્યા હતા. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ દર્શાવ્યું હતું કે, તેમની પાસે ૧૪૪થી વધુ ધારાસભ્યો રહેલા છે તેમ છતાં રાજ્યપાલે સરકારની રચના કરવા માટે આમંત્રણ આપ્યું ન હતું. કોંગ્રેસી નેતા સુશીલકુમાર શિંદેએ કહ્યું છે કે, ટેકાના પત્રો એક વખતે અમારી પાસે આવી ગયા બાદ રાષ્ટ્રપતિ શાસનને ઉઠાવી શકાય છે.

(7:42 pm IST)