Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મહારાષ્ટ્રમાં અંતે રાષ્ટ્રપતિ શાસન લાગૂ : ખેંચતાણમાં સરકાર ન બની

રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની કેબિનેટની ભલામણને મંજુરી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાંજે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કર્યું : બેઠકોના દોર છેલ્લા ૨૦ દિવસ સુધી ચાલ્યા હોવા છતાં રાજ્યમાં સરકારની રચના કરવામાં નિષ્ફળતા

મુંબઈ, તા. ૧૨ : મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને છેલ્લા ૨૦ દિવસથી ચાલી રહેલી ખેંચતાણ બાદ મહારાષ્ટ્રમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે. આગામી સરકારની રચના કરવાની સ્થિતિમાં કોઇપણ ચિત્ર સ્પષ્ટપણે ઉભરીને સપાટી ઉપર ન આવતા આખરે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લોકોએ શિવસેનાને અનએ ભાજપને બહુમતિ આપીને સરકાર બનાવવાની તક આપી હતી પરંતુ મુખ્યમંત્રી પદના મુદ્દે ખેંચતાણ રહ્યા બાદ બંને પક્ષો અલગ થયા હતા અને શિવસેનાએ પોતે સરકાર રચવાના પ્રયાસો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ સરકાર રચવાના પ્રયાસો ન કરવાનો નિર્ણય કર્યા બાદ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવાના પ્રયાસો શિવસેનાએ જારી રાખ્યા હતા પરંતુ સફળતા ન મળતા આખરે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

                  આ ભલામણને રાષ્ટ્રપતિએ આજે મોડેથી સ્વિકારી લીધી હતી. આની સાથે જ રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ ગયું છે. હવે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના લોકો પાસેથી ફરીવાર મત માંગવાની જરૂર પડશે. સાથે સાથે આની મોટી કિંમત સામાન્ય લોકોને પણ ચુકવવી પડશે. કારણ કે, ચૂંટણી ખર્ચનો બોજ વધશે. ભારતીય જનતા પાર્ટીના લોકોએ આક્ષેપ કરતા કહ્યું છે કે, શિવસેનાએ મતદારો દ્વારા આપવામાં આવેલા જનાદેશનો ભંગ કર્યો છે. રાજભવન દ્વારા ગૃહમંત્રાલયને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરીને મહારાષ્ટ્રમાં બંધારણ મુજબ રચના મુશ્કેલ હોવાની વાત કરી હતી. સૌથી મોટા પક્ષ તરીકે સરકાર બનાવવાનો ભાજપે ઇન્કાર કર્યા બાદ શિવસેનાએ સરકારના પ્રયાસ કર્યા હતા પરંતુ રાજ્યપાલે શિવસેનાને સરકારની રચના કરવા માટે માત્ર એક દિવસનો સમય આપ્યો હતો. રવિવારથી લઇને સોમવાર સુધી શિવસેનાના સરકાર ન બનાવવાના સંકેત બાદ સોમવારે સાંજે રાજ્યપાલે ત્રીજી સૌથી મોટી પાર્ટી એનસીપીને તક આપી હતી. એનસીપીને મળેલો સમય પણ પૂર્ણ થઇ ચુક્યો છે.

                 એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું છે કે, કોંગ્રેસ સાથે વાતચીત કરવામાં આવી છે પરંતુ આમા કોઇ નોંધપાત્ર સફળતા મળી નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારને મળવા માટે કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે, અહેમદ પટેલ અને કેસી વેણુગોપાલ પહોંચ્યા હતા. રાજ્યપાલે આજ સુધીનો સમય એનસીપીને આપ્યો હતો પરંતુ આમા પણ સફળતા મળી નથી. રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવામાં આવ્યા બાદ આને લઇને કોંગ્રેસ સહિતના પક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તાએ મહારાષ્ટ્રના રાજ્યપાલના નિર્ણયને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ બંધારણની કલમ ૩૫૬નો ઉપયોગ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવા કહ્યું હતું. આખરે રાષ્ટ્રપતિએ આને મંજુરી આપી દીધી હતી. આની સાથે જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હવે લાગૂ થઇ ગયું છે.  ભાજપ અને શિવસેના સાથે મળીને વિધાનસભાની ચૂંટણીમાં ઉતર્યા હતા અને આ ગઠબંધનને મતદારોએ બહુમતિ પણ આપી હતી પરંતુ મુખ્યમંત્રીના મુદ્દા પર ખેંચતાણ વચ્ચે બંને પાર્ટીઓ અલગ થઇ ગઇ હતી. આવી સ્થિતિમાં હવે જટિલ સ્થિતિ સર્જાઈ ગઈ હતી. વિધાનસભા ચૂંટણીના ૧૯ દિવસ થયા હોવા છતાં હજુ મડાગાંઠ અકબંધ રહી છે. આજે દિવસ દરમિયાન બેઠકોનો દોર ચાલ્યો હતો.

(7:33 pm IST)