Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પ૦૦ વર્ષોમાં અયોધ્‍યાએ મોગલો સામે લડી ૭૬ લડાઇઃ આ છે અયોધ્‍યાની ઇતિહાસ ગાથા

નવી દિલ્‍હી તા. ૧રઃ ભગવાન રામના સ્‍વધામ ગમન પછી સરયૂમાં આવેલા ભીષણ પુરથી અયોધ્‍યાની ભવ્‍યતાને બહુ નુકસાન પહોંચ્‍યું હતું. ભગવાન રામના પુત્ર કુશે અયોધ્‍યાને નવેસરથી વિકસાવીને રામ જન્‍મભૂમિ પર વિશાળ મંદિરનું નિર્માણ કરાવ્‍યું. યુગોની સફરમાં આ મંદિર અને અયોધ્‍યા જીર્ણશીર્ણ થઇ તો વિક્રમાદિત્‍ય નામના રાજાએ તેનો ઉધ્‍ધાર કર્યો. મીર બાકીએ ૧પર૮ માં જે મંદિરને તોડયું હતું તેને ઇસ પૂર્વે પ૭માં યુગ પ્રવર્તક રાજાધિરાજનું પદ ગ્રહણ કરનાર વિક્રમાદિત્‍યે બનાવ્‍યું હતું.

દોઢ હજાર વર્ષોથી પણ વધુ સફરમાં આ મંદિર હિંદુઓની આસ્‍થા-અસ્‍મિતાનું મુખ્‍ય કેન્‍દ્ર રહ્યું. તેના પર મધ્‍ય કાળથી જ સંકટના વાદળો ઘેરાવા લાગ્‍યા હતા. મહમદ ગઝનીના ભાણેજ સાલાર તુર્કે સત્તાના વિસ્‍તાર માટે અયોધ્‍યા પર હુમલો કર્યો હતો જો કે ૧૦૩૩માં રાજા સુહેલદેવે બહરાઇચમાં તેને મારીને અયોધ્‍યાને મુકિત અપાવી હતી. ઇ.સ. ૧૪૪૦માં જોનપુરના શાસક મહમૂદ શાહના શાસન ક્ષેત્રમાં અયોધ્‍યા પણ સામેલ હોવાને ઉલ્લેખ મળે છે.

પારંપરિકસ્ત્રોતોમાંથી પ્રાપ્‍ત ઇતિહાસ અનુસાર રામ મંદિર પાછું મેળવવા ૭૬ યુધ્‍ધો લડાયા હતા. એકાદ વાર એવું પણ બન્‍યું કે વિવાદીત સ્‍થળ પર મંદિરના દાવેદાર રાજા થોડા સમય માટે કબજો મેળવવામાં સફળ થયા હતા પણ તેને કાયમી નહોતા રાખી શકયા. ઇ.સ. ૧પ૩૦ થી ૧પપ૬ વચ્‍ચે હુમાયુ અને શેરશાહના શાસનકાળમાં ૧૦ યુધ્‍ધો થયાનો ઉલ્લેખ છે.

ઇ.સ. ૧પપ૬ થી ૧૬૦પ વચ્‍ચે અકબરના શાસનકાળમાં ર૦ યુધ્‍ધનો ઉલ્લેખ મળે છે. આ યુધ્‍ધોમાં અયોધ્‍યાના જ સંત એવાં બલરામાચાર્ય સેનાપતિ તરીકે લડતા રહ્યા અને અંતે વિરગતી પ્રાપ્‍ત કરી હતી. આ યુધ્‍ધોના પરિણામે અકબરે આ બાજુ ધ્‍યાન આપવાની ફરજ પડી હતી. અકબરનાં જ વંશ-૪ ઔરંગઝેબ નીતિઓ કટ્ટરવાદી હોવાથી તેની મંદિર-મસ્‍જીદ વિવાદ પર પણ અસર પડી. તેના શાસન કાળમાં ૧૬પ૮ થી ૧૭૦૭ વચ્‍ચે રામમંદિર માટે ૩૦ લડાઇઓ થઇ.

આ યુધ્‍ધોનું નેતૃત્‍વ બાબા વૈષ્‍ણવદાસ, કુંવર ગોપાલસિંહ, ઠાકુર જગદંબાસિંહ વગેરેએ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે દસમા ગુરૂ ગોવિંદસિંહે નિહંગોને પણ રામમંદિરના મુકિત સંઘર્ષ માટે મોકલ્‍યા હતા અને છેલ્લા યુધ્‍ધ સિવાયના અન્‍ય યુધ્‍ધોમાં હિંદુઓને સફળતા પણ મળી હતી. એટલે એવું માની શકાય કે તે સમયમાં મંદિર સમર્થકોને થોડાક સમય માટે રામ જન્‍મભૂમિ પર કબજો પણ મળ્‍યો હશે અને ઔરંગઝેબે પુરી તાકાત લગાવીને તેને છોડાવ્‍યું હશે.

ઇતિહાસની એક અન્‍ય ધરા તો ત્‍યાં સુધી કહે છે કે રામમંદિર બાબરના નહીં પણ ઔરંગઝેબના આદેશથી ધ્‍વસ્‍ત કરાયું હતું અને તેના જ હુકમથી અયોધ્‍યાના કેટલાક અન્‍ય મુખ્‍ય મંદિરો પણ તોડવામાં આવ્‍યા હતા. ૧૮મી સદીમાં મોગલ સત્તાનું પતન તો થયું પણ મંદિરનો સંઘર્ષ ચાલુ રહ્યો. વારંવારના યુધ્‍ધોથી કંટાળીને અયોધ્‍યાના નવાબ સઆદત અલી ખાને અકબરની જેમ હિંદુઓ અને મુસ્‍લિમોને સાથે સાથે પૂજા અને નમાજની છૂટ આપી દીધી. તો પણ સંઘર્ષ બંધ નહોતો થયો.

(4:48 pm IST)