Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

અયોધ્યામાં પાંચ એકર જમીન જ નથી ઉપલબ્ધ

વકફ બોર્ડને સરયૂની પેલે પાર અપાય તેવી શકયતા

નવી દિલ્હી તા. ૧રઃ સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મુસ્લિમોને આપવા માટે પાંચ એકર જમીન અયોધ્યા શહેરમાં ઉપલબ્ધ નથી, તેમને સરયુ નદીની પાર, જયાં યુપી સરકાર મુસ્લિમ બહુમતિ વાળા શાહેનવાન ગામમાં એક ટાઉનશીપ ડેવલપ કરવા જઇ રહી છે ત્યાં આપી શકાય તેમ છે. આ જગ્યા રામનગરીથી પાંચ કિલોમીટર દુર છે. બીજી બાજુ અયોધ્યાના મુખ્ય મુસ્લિમ નેતાઓ અન્યત્ર જમીન લેવાના પક્ષમાં નથી. તેઓ ઇચ્છે છે કે અધિગૃહિત ૬૭ એકર જમીનમાંથી જ આપવામાં આવે.

શહેનવાન ગામમાં એક મજાર છે, જે મોગલ શાસક બાબરના સેનાપતિ મીર બાંકીની હોવાનું માનવામાં આવે છે. મીર બાંકી એજ ૧પમી સદીમાં બાબરી મસ્જીદ બનાવી હતી. યુપી સરકારે મુસ્લિમોને આપવા માટે સંભવિત જમીનો તપાસવાનું શરૂ કરી દીધું છે. અયોધ્યાના અધિકારીઓ સરકારના આદેશ પર ધંધે લાગી ગયા છે. જમીન સુન્ની વકફ બોર્ડને આપવાની છે. બોર્ડે કહ્યું છે કે ર૬ નવેમ્બરે આયોજીત બેઠકમાં પ્રસ્તાવિત જમીન પર વિચાર કરશે. એ પણ નકકી કરશે કે જમીન લેવી કે નહીં.

અયોધ્યાના મુસ્લિમો સરકાર પાસેથી મસ્જીદ માટે પાંચ એકર જમીન લેવાના પક્ષમાં નથી દેખાતા જમિયત ઉલેમાએ હિંદના અયોધ્યા એકમના અધ્યક્ષ મૌલાના બાદશાહખાને કહ્યું કે અમે બાબરી મસ્જીદ માટે કેસ લડયો હતો, અન્ય કોઇ જમીન માટે નહીં. અમે મસ્જીદ માટે બીજી કોઇ જમીન નથી ઇચ્છતા, અમે જમીન ખરીદી શકીએ છીએ અને સરકાર પર નિર્ભર નથી. જો સરકાર આપવા જ માંગતી હોય તો તે અધિગૃહિત જમીનમાંથી પાંચ એકર આપે કેમકે દરગાહ અને કબ્રસ્તાન પણ અધિગૃહિત કરી લેવાયું હતું. જયારે મુસ્લિમ સમાજ સેવક ડોકટર યુસુફખાને કહ્યું છે કે અયોધ્યામાં ધાર્મિક જરૂરિયાતો માટે પુરતી મસ્જીદો છે. સુપ્રિમ કોર્ટે જમીન રામલલાને આપી છે એટલે આ મુદે અહીં જ પુરો થાય છે. ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સીનીયર વકીલ જફરયાબ જીલામીએ જણાવ્યું કે ૧૭ નવેમ્બરે બોર્ડની મીટીંગ થશે. જેમાં પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેનો નિર્ણય થશે. જીલાની આ કેસમાં સુન્ની વકફ બોર્ડ સહિત મુસ્લિમ પક્ષોના વકીલ હતા.

(4:22 pm IST)