Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

અલગ અલગ ટીવી ચેનલ માટે એક જ સેટ ટોપ બોકસ ચાલશે

ટ્રાઇએ સેટ ટોપ બોકસની ઇન્ટર ઓપરેબિલિટી માટે કન્સલ્ટેશન પેપર ઇશ્યૂ કર્યું

નવી દિલ્હી, તા. ૧ર : સરકાર હવે એવી વ્યવસ્થા કરવા જઇ રહી છે કે જેના હેઠળ એક જ સેટ ટોપ બોકસ પર ટીવી ચેનલ બ્રોડકાસ્ટ કરતી અલગ અલગ કંપનીઓની સેવા પ્રાપ્ત કરી શકાશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ડિજિટલ ટીવી બ્રોડકાસ્ટિંગ સેવા માટે સેટ ટોપ બોકસ ઇન્ટર ઓપરેટિબિલિટી પર એક પરામર્શ પત્ર જારી કર્યો છે અને તેના પર તમામ પક્ષોનો અભિપ્રાય માગ્યો છે.

ટ્રાઇનું માનવું છે કે એક જ સેટ ટોપ બોકસ પર અલગ અલગ સર્વિસ પ્રોવાઇડરની સેવા ઉપલબ્ધ થવાની સુવિધા નહીં હોવાથી પે-ટીવી બજારમાં સ્પર્ધાત્મકતા તો ઘટે જ છે. સાથે સાથે તે ટેકનોલોજિકલ ઇનોવેશન સેવાની ગુણવત્તા સુધારવામાં અને સેકટરના વિકાસમાં પણ અવરોધક છે. ટ્રાઇએ પોતાના પરમાર્શ પત્રને પોતાની વેબસાઇટ પર પણ પોસ્ટ કર્યો છે.

તેના પર ૯ ડિસેમ્બર સુધી તમામ સંબંધિત પક્ષોને પોતાના અભિપ્રાય આપવા જણાવાયું છે. અત્યાર સુધીની વ્યવસ્થા અનુસાર જો તમે એક સર્વિસ પ્રોવાઇડર કંપની પાસેથી ટેલિવિઝન ચેનલનું કનેકશન લો છો તે તમને સેટ ટોપ બોકસ આપે છે, જયારે તમે સર્વિસ પ્રોવાઇડર કંપની બદલો તો તમારે સેટ ટોપ બોકસ પણ બદલવું પડે છે. એક વખત સેટ ટોપ બોકસની ઇન્ટર ઓપરેબિલિટી શરૂ થઇ જશે પછી તમારે માત્ર એક જ વાર સેટ ટોપ બોકસ લેવું પડશે અને પછી તમે એક જ સેટ ટોપ બોકસ પર અલગ અલગ કંપની પાસેથી ટીવી ચેનલનું કનેકશન લઇ શકો છો.

ટ્રાઇએ એપ્રિલ-ર૦૧૬માં પણ એક પ્રી કન્સલ્ટેશન પેપર પણ ઇસ્યુ કર્યું હતું. ત્યાર બાદ ઓગસ્ટ-૧૭માં સોલ્યુશન આર્કિટેકચર પર પણ એક કન્સલ્ટેશન નોટ જારી કરી હતી.

(4:22 pm IST)