Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પાકિસ્તાનમાં ગુરૂનાનકદેવનું પ્રદર્શનઃ વિવિધ દેશોમાં નાનકજીના નામ જુદા-જુદા

તિબેટમાં નાનકલામાં,નેપાળમાં નાનક ઋષીના નામે વિખ્યાત થયા

અમૃતસરઃ પ્રથમ પાતશાહી શ્રી ગુરૂનાનક દેવજીને વિભીન્ન દેશોમાં અલગ અલગ નામોથી બોલાવાય છે. તેમને ૧૦ થી વધારે દેશોમાં ૧૪ નામોથી ઓળખવામાં આવે છે. પાકિસ્તાનીઓ તેમને નાનકશાહ કહે તો ભારતમાં તેઓ ગુરૂનાનક દેવજી છે.

તિબેટમાં તેઓ નાનકલામા નામથી ઓળખાયા તો રશિયામાં તેઓ નાનક કમદાર તરીકે વિખ્યાત થયા. ગુરૂ નાનકદેવજીને નેપાળમાં નાનક ઋષિ, ભુટાનમાં નાનક રિપોચિયા, શ્રીલંકામાં નાનકાચાર્યા, રશિયામાં નાનક કમદાર, ચીનમાં બાબાફુલા,ઇરાકમાં નાનકપીર, મીસરમાં નાનકવલી તો સઉદી અરબમાં પ્રથમ પાતશાહી વલી હિંદના નામથી ઓળખવામાં આવે છે ભાઇ મરદાનાજીની રબાબની ધૂનો પર એક ઓમકારમાં લીન બાબા નાનકજીએ ચાર ઉદાસીઓમાં આખી દુનિયાને આ સંદેશ પહોંચાડયો હતો અને તે પણ પગપાળા ચાલીને. આ ઉદાસીઓ દરમ્યાન તેઓ જયાં પણ ગયા ત્યાં તેમને અલગ અલગ નામે પોકારવામાં આવ્યા.

શીખ ઇતિહાસ અનુસાર, શ્રી ગુરૂનાનકદેવજી ૧૫૨૨માં કરતારપુર સાહિબ જઇને રહેવા લાગ્યા હતા. આ પવિત્ર સ્થળે તેમણે ૨૨ સપ્ટેમ્બર ૧૫૩૯ના રોજ આખરી શ્વાસ લીધા હતા. પાકિસ્તાનના પ્રવાસન વિભાગ દ્વારા ગુરૂનાનક દેવજીના જીવન કાળ, ઉદાસીઓ, ખેતી કરતા અને તેમના અંતિમ સમય અંગેના ચિત્રો, હસ્તપ્રતો, સોના ચાંદીના સિક્કાઓ અને ગુરૂનાનકજી દ્વારા ઉપયોગમાં લેવાયેલ વાસણોનું એક પ્રદર્શન યોજાયું છે જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રદર્શનમાં પ્રસ્તુત એક વિશાળ ચિત્રમાં તેમની ઉદાસીઓ દરમ્યાન તેમના ભારતના લગભગ ૨૦ રાજયોમાં ભ્રમણનું વિવરણ પણ અંકિત થયેલું છે.

(3:40 pm IST)