Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મેડીકલેમ વીમો બદલવા માટે મેડીકલ ટેસ્ટ કરાવવો જરૂરી નથી

ઇરડાએ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓને આપ્યા દિશા નિર્દેશ

નવી દિલ્હી તા.૧૨: આરોગ્ય વિમાની જૂની પોલિસી તમને પસંદ ન આવતી હોયતો તે કંપનીની બીજી પોલીસીમાં તેને સહેલાઇથી ફેરવી શકાશે. આના માટે મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર નહી પડે. વિમા નિયામક ઇરડાએ વિમા કંપનીઓને આપેલા નવા દિશા નિર્દેશોમાં આ વાત કહી છે.

આરોગ્ય વીમા અને સામાન્ય વીમા કંપનીઓને અપાયેલા દિશા નિર્દેશો અનુસાર કોઇ વીમાધારકે જો ફેમિલી ફલોટર પ્લાન લીધેલો હોય અને તે કંપનીની બીજી વ્યકિતગત પોલિસીમાં તેને ફેરવવા ઇચ્છતો હોય તો તેને કોઇ શરત વગર તેનો પણ વિકલ્પ મળશે દિશા નિર્દેશમાં એ સ્પષ્ટ કરી દેવાયું છે કે આરોગ્ય વીમા પોલિસી ચાર વર્ષ જૂની થયા પછી વિમાધારક બીજી પોલિસીમાં ફેરવવા ઇચ્છે તો વીમા કંપની મેડીકલ ટેસ્ટ માટે તેને મજબૂર ન કરી શકે.

જો કે પોલિસી ચાર વર્ષથી ઓછી જૂની હોય તો મેડીકલ ટેસ્ટનો વિકલ્પ કંપનીઓ આપી શકે છે નિષ્ણાતોનું કહેવું છે કે ફેમીલી ફલોટરના કેસમાં ઇરડાએ એક બહુ મહત્વપૂર્ણ વાત કહી છે નવા દિશા નિર્દેશમાં એ સ્પષ્ટ કરી દેવાયું છે કે ફેમિલી ફલોટર પ્લાન ચાર વર્ષ જૂનો હોય તો તેમાંનો કોઇ પણ સભ્ય તેજ કંપનીની બીજી પોલિસી લઇ શકે છે.

દિશા નિર્દેશમાં ઇરડાએ વીમા ક્ષેત્રમાં મળતી ત્રણ શ્રેણીની પોલિસી અંગે નિયમોને પારદર્શક બનાવ્યા છે. તેના હેઠળ હવે ચાર વર્ષ જૂની વ્યકિતગત પોલિસીને ફેમીલી ફલોટર અથવા ગ્રુપ વિમામાં ફેરવી શકાશે. આજ રીતે ગ્રુપ વીમા અથવા ફેમીલી ફલોટરને વ્યકિતગત વીમામાં ફેરવી શકાશે. નિષ્ણાતોનું કહેવું છે કે નવા દિશા નિર્દેશોથી ગ્રાહકોને આરોગ્ય વીમાનો એક એવો વિકલ્પ આપી દીધો છે જેનાથી તેમને પોલિસી વચમાંથી બંધ કરવાની નોબત નહીં આવે. બીજી પોલિસી પસંદ કરતી વખતે તેમના પર વીમા કંપનીઓ પોતાની શરતો નહીં લાદી શકે.

(12:13 pm IST)