Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

અયોધ્‍યામાં ભકતોના ફાળાથી બનશે રામ મંદિરઃ વિહિપએ ઘડયો પ્‍લાન

વિશ્વ હિન્‍દુ પરિષદે કારસેવા યોજવાનો પણ સંકેત આપ્‍યોઃ ટૂંક સમયમાં ઔપચારિક યોજના જાહેર કરવામાં આવશેઃ દેશ-વિદેશના રામભકતોના યોગદાનથી બનાવાશે મંદિર : ટ્રસ્‍ટમાં પણ વિહિપનું પ્રતિનિધિત્‍વ હશેઃ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધીઃ ટૂંક સમયમાં સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશેઃ વિહિપના પ્રવકતાનો સંકેત

નવી દિલ્‍હી, તા. ૧૨: અયોધ્‍યા વિવાદ પર સુપ્રિમ કોર્ટના ફેંસલા બાદ રામ મંદિર નિર્માણ માટેની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. વિહિપએ એક પ્રસ્‍તાવિત રામ મંદિરમાં યોગદાન કરવાનો ફેંસલો લીધો છે. જે હેઠળ તેને યોજના બનાવી છે કે ક્રાઉડ ફન્‍ડીંગ (પબ્‍લિકના પૈસા) થકી મંદિરનું નિર્માણ કરવામાં આવે. સાથોસાથ વિહિપે ફરી એક વખત કારસેવાનો પણ સંકેત આપ્‍યો છે.

વિહિપના રાષ્‍ટ્રીય પ્રવકતા વિનોદ બંસલ જણાવે છે કે, રામ મંદિરના નિર્માણમાં યોગદાન માટે દેશભરના રામભકતોનો સંપર્ક કરવામાં આવશે. અયોધ્‍યા આંદોલન અનેક હિન્‍દુઓની આસ્‍થા અને ભાવનાઓ સાથે જોડાયેલુ હતું અને યોજના શરૂ થવા પર તેઓએ પોતાનુ કામ કરવાનુ રહેશે. જેમાં કારસેવા પણ સામેલ છે.

બંસલે કહ્યુ છે કે ઔપચારિક યોજના ટૂંક સમયમાં સામે આવે છે. વિહિપના પદાધિકારીએ કારસેવાના બીજા ચરણનો પણ સંકેત આપ્‍યો હતો. આ સિવાય વિહિપનું સૂચન છે કે ૩ મહિનાની અંદર રચાનાર ટ્રસ્‍ટને ભકતોની પ્રતિકાત્‍મક ભાગીદારીની સુવિધા પણ દેવી જોઈએ. આ માટે દેશના તમામ ૭૧૮ જિલ્લામાંથી ભકતોને એક સપ્તાહ માટે અહીં બોલાવવામાં આવશે અને તેઓની પાસે નિર્માણ કાર્યની મદદ લેવાશે.

અત્રે નોંધનીય છે કે કારસેવા વિહિપના નેતૃત્‍વવાળા મંદિર આંદોલનનો એક મહત્‍વનો હિસ્‍સો હતો. જે હેઠળ લાખોની સંખ્‍યામાં કારસેવક ૧૯૯૦ અને ૧૯૯૨માં અયોધ્‍યા પહોંચ્‍યા હતા. બીજા ચરણમાં બાબરી મસ્‍જિદ તોડવામાં આવી હતી. વિહિપના પદાધિકારીઓએ દિલ્‍હીમાં ક્રાઉડ ફન્‍ડીંગની યોજનાની પુષ્‍ટી કરી છે. વિહિપના કાર્યકારી અધ્‍યક્ષ આલોક કુમારે જણાવ્‍યુ છે કે દુનિયાભરમાં મોજુદ ભગવાન રામના ભકતો પાસેથી ફંડ લેવાશે જે ટૂંક સમયમાં શરૂ થશે.

વિહિપના નિવેદનોથી સ્‍પષ્‍ટ થાય છે કે મંદિર ટ્રસ્‍ટમાં તેનુ મહત્‍વનું પ્રતિધિત્‍વ હશે. સુપ્રિમ કોર્ટે વિહિપ સમર્થિત રામ જન્‍મભૂમિ ન્‍યાસને મંદિર નિર્માણમાં ભૂમિકા આપવાનો ઈન્‍કાર કર્યો છે જો કે સૂત્રોનું કહેવુ છે કે ન્‍યાસ પ્રમુખ મહંત નૃત્‍યગોપાલદાસ સહિત વિહિપના બીજા સભ્‍યોને ટ્રસ્‍ટમાં સામેલ કરવા માગે છે.

(10:59 am IST)