Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રાષ્ટ્રપતિ-વડાપ્રધાનની તસ્વીર સાથે છેડછાડ કરવા પર ૬ માસની કેદ

નવી દિલ્હી, તા.૧૨: PM અને રાષ્ટ્રપતિના ફોટાનો દુરઉપયોગ કરવા માટે હવે ૬ મહિનાની કેદની સજા થઈ શકે છે. ખાનગી કંપનીઓ પોતાની જાહેરાતોમાં પીએમ મોદીના ફોટાનો ઉપયોગ કરવા લાગી છે. જેને લઈને કેન્દ્ર સરકાર સચેત બની છે અને પહેલી વાર પ્રતીક અને નામ (અયોગ્ય ઉપયોગના નિવારણ)કાયદો-૧૯૫૦માં પહેલી વાર સજાની જોગવાઈ લાવી રહી છે. આ સાથે જ દંડની રકમ પણ ૧૦૦૦ ગણી વધારીને ૫ લાખ રૂપિયાની કરી દેવામાં આવશે.

ગ્રાહક બાબતોના મંત્રાલયે સાત દાયકા જુના કાયદામાં સુધારાની મુસદ્દો તૈયાર કર્યો છે. કાયદા મંત્રાલયે આ અંગે પોતાની સંમતિ આપી દીધી છે. લોકોનો અભિપ્રાય લીધા બાદ ડ્રાફટ કેન્દ્રિય મંત્રીમંડળને મોકલવામાં આવશે. સરકારના પ્રયત્નોને સંસદના જ શિયાળુ સત્રમાં પસાર કરવો પડશે.

હાલના વર્ષોમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીની તસવીરોનો જાહેરાતોમાં ઉપયોગ કરવા અંગેનો વિવાદ સર્જાયો હતો. ત્યારે સરકારે જાહેરાતમાં પીએમની તસવીરો મૂકી દેશની બે મોટી કંપનીઓ વિરુદ્ઘ કાર્યવાહી કરી. જો કે, કાયદામાં ફેરફાર નજીવા આર્થિક દંડની અસર જોવા માટે બનાવવામાં આવ્યો હતો.

ડ્રાફટમાં પહેલી વાર ઉલ્લંદ્યન બદલ ૧ લાખ રૂપિયા દંડને માટે નક્કી કરાયા છે અને એક કરતા વધુ ભૂલ કરવા બદલ ૫ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. કાયદાના વારંવાર ઉલ્લંઘનને કારણે ૩ થી ૬ મહિના સુધીની કેદ થઈ શકે છે.

પ્રતીક અને નામનું અધિનિયમ એ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેવા હોદ્દા પર બેઠેલા વ્યકિતઓની ગૌરવની સાથે રાષ્ટ્રીય પ્રતીકો અને ઐતિહાસિક મહત્વની ચીજવસ્તુઓનું જતન છે. આ કાયદાનો હેતુ તેમના વ્યવસાયિક ઉપયોગને અટકાવવાનો છે.

(10:18 am IST)