Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રાષ્ટ્રપતિ શાસન તરફ ધકેલાતું મહારાષ્ટ્ર

NCP પણ દાવો ન કરે તો રાજયપાલ પાસે ૪ વિકલ્પ

મુંબઈ, તા.૧૨: મહારાષ્ટ્રમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેના પર સસ્પેન્સ વધી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ શાસન લાવવાની ચર્ચા પણ ફેલાઈ રહી છે. ભાજપે પહેલા જ સરકાર બનાવવાની ના પાડી દીધી છે અને હવે રાજયપાલ ભગત સિંદ્ય કોશ્યારીએ શિવસેનાને વધારે સમય આપવાની ના પાડી દીધી છે. ગવર્નરે હવે ત્રીજા સૌથી મોટા પક્ષ એનસીપીને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે. એનસીપીને આગામી ૨૪ કલાકની અંદર સમર્થન પત્ર સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવો પડશે. જો એનસીપી પણ બહુમતીનો દાવો રજૂ કરવામાં નિષ્ફળ રહેશે તો રાજયપાલ સામે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની સાથે જ અન્ય કેટલાક વિકલ્પ પણ છે. રાજયપાલ પાસે આ ચાર વિકલ્પો રહેલા છે.

૧) જયાં સુધી નવા મુખ્યમંત્રી બનતા નથી ત્યાં સુધી રાજયપાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનારા દેવેન્દ્ર ફડણવીસનને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવા માટે કહી કે છે. સંવિધાન અંતર્ગત તે જરૂરી નથી કે મુખ્યમંત્રીનો કાર્યકાળ વિધાનસભા સાથે જ સમાપ્ત થઈ જાય.

૨) રાજયપાલ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સૌથી વધારે બેઠકો મેળવનારી પાર્ટીના કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવી શકે છે. તેવામાં ભાજપનો મુખ્યમંત્રી બની શકે છે કેમ કે ભાજપ પાસે સૌથી વધારે ૧૦૫ બેઠકો છે. મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપને વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે. વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તેને જોતા લાગતું નથી કે ભાજપ ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ જશે.

૩) ભગત સિંદ્ય કોશ્યારી મહારાષ્ટ્ર વિધાનસભામાંથી પોતાના નેતાને ચૂંટણી દ્વારા ચૂંટી શકે છે. આવું સુપ્રીમ કોર્ટના એક ચુકાદાના આધાર પર કરવામાં આવી શકે છે. ૧૯૯૮માં ટોચની અદાલતે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં આવું કરવાનો આદેશ આપ્યો હતો.

૪) જો આ ત્રણેય વિકલ્પોના માધ્યમથી કોઈ સરકાર બનતી નથી તો રાજયપાલ સામે રાષ્ટ્રપિત શાસન લાવવાની ભલામણ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આ અંતિમ વિકલ્પ છે. આવી સ્થિતિમાં રાજયનો વહિવટ કેન્દ્ર સરકારના હાથમાં રહેશે. હાલમાં રાજયમાં જેવી પરિસ્થિતિ છે તેમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડવાની સંભાવના પ્રબળ છે. જોકે, કોઈ પણ મોટી પાર્ટી તેના સમર્થનમાં દેખાઈ રહી નથી. કોંગ્રેસે જાહેરમાં કહ્યું છે કે તે રાજયમાં રાષ્ટ્રપિત શાસન લાગુ થાય તેના સમર્થનમાં નથી.

(10:15 am IST)