Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

૨૦૩૦ સુધી ભારતમાં ૩૧ કરોડ સ્નાતક હશેઃ પરંતુ ૫૦% પાસે નોકરી મેળવવાનું કૌશલ્ય નહીં હોય

યુનિસેફે 'જીબીસી - એજયુકેશન ૨૦૨૦ સ્કીલ્સ સ્કોરકાર્ડ'શીર્ષક સાથે રિપોર્ટ પ્રગટ કર્યો

ન્યૂયોર્ક, તા.૧૨: યુનિસેફના સ્કીલ્સ ડેવલોપમેન્ટના તાજેતરના અહેવાલમાં ભારતના આગામી સમય માટે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ એશિયા ખંડના દેશો પૈકી ભારતમાં ૨૦૩૦ સુધીમાં સૌથી વધુ ૩૦ કરોડ સ્નાતકો હશે, પરંતુ તેમાંથી ૫૦ ટકા સ્નાતકો પાસે નોકરી મેળવવા માટે જરુરી કોશલ્ય નહીં હોય. 

યુનિસેફે ગત મહિને 'જીબીસી - એજયુકેશન ૨૦૨૦ સ્કીલ્સ સ્કોરકાર્ડ'શીર્ષક સાથે તાજો રિપોર્ટ પ્રગટ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ૨૦૩૦ સુધીમાં ભારતીય સ્કૂલ ગ્રેજયુએટ્સ પૈકી ૪૭ ટકા પાસે જ નોકરી માટે જરુરી કૌશલ્ય કે આવડત હશે. જોકે, આ ટકાવારીમાં ૧૯ ટકાનો સુધારો થવાની શકયતા છે. યુનિસેફના રિપોર્ટ મુજબ ૨૦૩૦ સુધી ગ્લોબલ સ્તર પર કરોડો નોકરીઓ પર સંકટના વાદળો દ્યેરાશે. એ સમયે ભારત દેશની મોટી સમસ્યા બેરોજગારી હશે.

યુનિસેફ દ્વારા ગ્લોબલ બિઝનેસ કોએલિશન ફોર એજયુકેશન(જીબીસી - શિક્ષણ) અને એજયુકેશન કમિશનના સહયોગથી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, દક્ષિણ એશિયામાં ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ, શ્રીલંકા અને પાકિસ્તાનમાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરનાર અને પાયાકીય માધ્યમિક કૌશલ્ય શીખનાર યુવાનોની સંખ્યા ૨૦૩૦ સુધીમાં બે ગણાથી ૪૦ કરોડ થવાનો અંદાજ વ્યકત કરાયો છે.

જોકે, આ ક્ષેત્રમાં અડધાથી ઓછા યુવાનો નોકરી કે રોજગારી માટે મૂળ કૌશલ્ય પ્રાપ્ત કરશે, તેવું અનુમાન રજૂ કરાયું છે.

૩૦.૯૬ કરોડમાં, ભારતનો અનુમાનિત આંકડો સૌથી વધુ હશે. દક્ષિણ એશિયાના અન્ય દેશોમાં બાંગ્લાદેશમાં ૩.૭૮ કરોડ, પાકિસ્તાનમાં ૬.૪૩ કરોડ, નેપાળમાં ૭૧ કરોડ, શ્રીલંકામાં ૩૮ લાખ, ભૂતાનમાં ૨ લાખ અને માલદિવમાં ૯૦૦૦૦ સામેલ છે.

આ દેશોમાં, ભૂટાન પોતાના સેકન્ડરી સ્કૂલના ગ્રેજયુએટ્સમાં નોકરી મેળવવા મામલે ૮૧ ટકા સાથે સૌથી શ્રેષ્ઠ સ્થાન પર છે, જેમની પાસે નોકરી માટે જરુરી કૌશલ્ય હોવાની આશા છે. ભારતની સરખામણીમાં પાકિસ્તાન પાસે ૪૬ ટકા, નેપાળના યુવાનો પાસે ૪૬ ટકા અને માલદિવની ૪૦ ટકા સાથે નોકરી મામલે ખરાબ સ્થિતિ હશે.

યુનિસેફના ડાયરેકટર હેનરીઈટા ફોરે ગત સપ્તાહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પ્રતિ દિવસ લગભગ ૧૦૦૦૦૦ યુવાનો લેબર માર્કેટમાં પ્રવેશ કરે છે, જે પૈકી અડધા જેટલા યુવાનો ૨૧ સદીમાં જોબ શોધવા માટે યોગ્ય ટ્રેક પર નથી.

આ રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે કેન્દ્ર સરકાર કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં સ્કૂલો અને કોલેજોના અભ્યાસક્રમમાં અનિવાર્ય કૌશલ્ય-આધારીત શિક્ષણ સામેલ છે. તેમ છતાં નોકરી સંકટ ભારતને માથે લટકેલી તલવાર સમાન છે.

(9:59 am IST)