Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

બંધ દરમિયાન શિવ સૈનિકોની ગુંડાગર્દીઃ રીક્ષા ચાલકોને દંડા માર્યાઃ દુકાનો બળજબરીથી બંધ કરાવી

દુકાનો બળજબરીથી બંધ કરાવવામાં આવી હતી

મહારાષ્ટ્ર, તા.૧૨: લખીમપુર હિંસાના વિરોધમાં સોમવારે મહારાષ્ટ્ર બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. આ દરમિયાન શિવસેનાના કાર્યકરોની ગુંડાગર્દીની તસવીરો અને વિડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રના ઠાણેમાં શિવ સૈનિકોએ રસ્તા પરથી પસાર થતા ઓટો રિક્ષા ચાલકો પર દંડા વડે હુમલા કર્યા હતા એ તેના વિડિયો પણ વાયરલ થયા છે.

બંધ દરમિયાન શિવ સૈનિકોને ઠાણેના રસ્તાઓ પર પેટ્રોલિંગ કરતા અને ઓટો રિક્ષા ચાલકોને અટકાવતા વિડિયોમાં જોઈ શકાય છે. આ દરમિયાન તેમણે રીક્ષા ચાલકોને થપ્પડ પણ માર્યા હતા અને તેમાંના કેટલાક લોકો પાસે દંડા હતા. તેઓ ત્યાંથી પસાર થતા રીક્ષા ચાલકો પર મારતા નજરે પડયા હતા.

કેટલાક લોકો એવા હતા જે બંધમાં સામેલ થવા માંગતા નહોતા. આમ છતા તેમની દુકાનો બળજબરીથી બંધ કરાવવમાં આવી હતી. લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી. એટલુ જ નહીં મહારાષ્ટ્ર સરકારે તો પોલીસનો પણ બંધ પળાવવા માટે સહારો લીધો હતો.

સીટી બસ સેવા પર પણ તેની અસર પડી હતી. બંધ દરમિયાન મુંબઈમાં નવ જગ્યાએ બેસ્ટની બસોની તોડફોડ કરવામાં આવી હતી. ભાજપનુ કહેવુ છે કે, ભારતમાં પહેલી વખત એવુ થઈ રહ્યુ છે કે, સરકારે જ બંધનુ એલાન આપ્યુ છે. આ પહેલા પણ કોર્ટ કહી ચુકયુ છે કે, આ પ્રકારના બંધ યોગ્ય નથી. અમારી માંગ છે કે, કોર્ટ આ મામલામાં પણ ધ્યાન આપે.

(4:02 pm IST)