Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

બેંગ્લોર એરપોર્ટ જળમગ્ન : મુસાફરોને ટ્રેક્ટરમાં ગેટ સુધી લઈ જવાયા !

કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયું :બેંગ્લોરના કોનપ્પના અગ્રહારા સીમામાં એક ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે શોકસર્કિટ થઈ જતાં એક વ્યક્તિનું મોત

બેંગ્લોર :કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ભારે વરસાદને પગલે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એવી ઉભી થઈ કે ભારે વરસાદને કારણે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયું હતું. એરપોર્ટ જનારા દરેક રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે મુસાફરોને એરપોર્ટ સુધી પહોંચવું કપરું બની ગયું હતું. આ પછી મુસાફરોને એરપોર્ટની બહાર ટ્રેક્ટર પર લઈ જવાયા હતા. ભારે વરસાદને કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી ગઈ છે.
ભારે વરસાદ બાદ બેંગ્લોરના કોનપ્પના અગ્રહારા સીમામાં એક ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે શોકસર્કિટ થઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી આપી છે.
કર્ણાટક ઉપરાંત આજે કેરળના કોલ્લમ, પથનમથિટ્ટા, કોટ્ટાયમ, અલાફુજા, અર્નાકુલમ અને ઈડુક્કી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ શહેરો માટે ઑરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બીજી બાજુ ત્રિશૂર, પલક્કડ, મલ્પ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નુર અને કાસારગોડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

(11:47 am IST)