Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

એર ઇન્ડિયાના ૧૬૦૦૦ કરોડના અનપેઇડ બિલ પણ કેન્દ્ર સરકાર ચુકવશે : જે ઇંધણ અંગેના છે

ટાટા સમૂહે અનેક જવાબદારી પોતે નથી લીધી

નવી દિલ્હી તા. ૧૨ : કેન્દ્ર સરકારે એર ઇન્ડિયાનાં વિનિવેશ માટે ટાટા સન્સની પસંદગી કરી છે. રિયલ એસ્ટેટ, પેઇન્ટિંગ્સ અને અન્ય નોન-કોર એસેટ્સ પણ એર ઇન્ડિયાની નવી હોલ્ડિંગ કંપની પાસે જવાના છે. એર ઇન્ડિયાની નવી હોલ્ડિંગ કંપનીએ હવે બેંક લોન ઉપરાંત અનપેડ બિલ ટ્રાન્સફર કરવા પડશે.

આપને જણાવી દઇએ કે, ટાટા જૂથને ખોટ કરતી એરલાઇનને સોંપતા પહેલા, સરકાર તેના ઇંધણનાં બિલ અને સપ્લાયર્સનાં અન્ય લેણાં લગભગ ૧૬,૦૦૦ કરોડ રૂપિયાનાં સ્પેશિયલ પર્પઝ યુનિટ (SPV) ને ટ્રાન્સફર કરશે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ (AIAHL), જે જમીન અને ઇમારતો જેવી એર ઇન્ડિયાની નોન-કોર એસેટ્સનું સંચાલન કરી રહી છે, એરલાઇનનાં દેવાનાં ૭૫ ટકા હિસ્સા પણ ધરાવશે, જેની જવાબદારી ટાટા જૂથ દ્વારા લેવામાં આવી રહી નથી. સરકારનાં ખાનગીકરણ કાર્યક્રમનું સંચાલન કરનારા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) નાં સચિવ તુહિનકાંત પાંડેએ જણાવ્યું હતું કે, દેવા ઉપરાંત, એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ (AIAHL) પાસે ઓઇલ કંપનીઓ, એરપોર્ટ પરિચાલકો અને વિક્રેતાઓ પાસેથી લેણાં સહિત વધારાની જવાબદારીઓ પણ હશે.

પાંડેએ જણાવ્યું હતું કે, તેમને ડિસેમ્બરનાં અંત સુધીમાં આ લેણાં વધુ વધવાની અપેક્ષા નથી, કારણ કે સરકાર ૨૦ કરોડ રૂપિયાનું દૈનિક ભંડોળ પૂરું પાડીને એરલાઇનની કામગીરીને ટેકો આપવાનું ચાલુ રાખશે. એર ઇન્ડિયાને ટાટાને સોંપતા પહેલા, સરકાર બાકીનાં ચાર મહિનાનાં સમયગાળા (સપ્ટેમ્બર-ડિસેમ્બર) માટે એર ઇન્ડિયાપુસ્તકો પર કામ કરશે અને બાકી રહેલી જવાબદારીઓ AIAHL ને ટ્રાન્સફર કરવામાં આવશે. ૩૧ ઓગસ્ટ સુધીમાં એર ઇન્ડિયાપર કુલ બાકી ૬૧,૫૬૨ કરોડ રૂપિયા હતું. તેમાંથી ટાટા સન્સ હોલ્ડિંગ કંપની ટેલ્સ પ્રાઇવેટ લિ. ૧૫,૩૦૦ કરોડ લેવામાં આવશે અને બાકીનાં ૪૬,૨૬૨ કરોડ AIAHL ને ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત, એર ઇન્ડિયાની જમીન અને બિલ્ડિંગ સહિત નોન-કોર એસેટ્સ પણ AIAHLને ટ્રાન્સફર કરવામાં આવશે. તેની કિંમત ૧૪,૭૧૮ કરોડ આંકવામાં આવી છે.

(11:37 am IST)