Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ગો કોરોના ગો...૨૨૪ દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં માત્ર ૧૪૩૧૩ નવા કેસ નોંધાયાઃ આ દરમિયાન ૧૮૧ દર્દીઓના મોત : એકટીવ કેસ પણ ૨ લાખની નજીકઃ રીકવરી રેટ પણ ૯૮.૦૪ ટકા જે માર્ચ ૨૦૨૦થી અત્યાર સુધીના ઉંચા સ્તરેઃ એકટીવ કેસનો આંકડો પણ પાછલા ૨૧૨ દિવસમાં સૌથી ઓછો

નવી દિલ્હી, તા. ૧૨ :. કોરોનાની દેશમાંથી સતત પીછેહઠ થઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૩૧૩ નવા કેસ મળ્યા છે. જે છેલ્લા ૨૨૪ દિવસમાં સૌથી ઓછા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કોરોનાથી મળેલી આ રાહત કેટલી મોટી છે. સાથોસાથ કોરોનાથી રીકવરી રેટ પણ ૯૮.૦૪ ટકા થઈ ગયો છે. જે માર્ચ ૨૦૨૦થી અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર પર છે. એટલુ જ નહિ એકટીવ કેસોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ નવા કેસ માત્ર ૧૪૦૦૦ની પાર છે તો ૨૬૫૭૯ લોકો આ દરમિયાન રીકવર થયા છે. આના કારણે એકટીવ કેસોની સંખ્યા ઝડપથી ઘટીને માત્ર ૨૧૪૯૦૦ થઈ ગઈ છે.

એકટીવ કેસોનો આ આંકડો છેલ્લા ૨૧૨ દિવસોમાં સૌથી ઓછો છે. અત્યાર સુધી દેશમાં ૩ કરોડ ૩૩ લાખથી વધુ લોકો કોરોનાને હરાવી ચૂકયા છે. એટલુ જ નહિ કોરોનાના કેસમાં ઘટાડાને કારણે વિકલી પોઝીટીવીટી રેટ પણ સતત ઘટી રહ્યો છે. હાલ આ રેટ માત્ર ૧.૪૮ ટકા જ છે. છેલ્લા ૧૦૯ દિવસથી આ આંકડો ૩ ટકાથી ઓછો બન્યો છે. હવે જો ડેઈલી પોઝીટીવીટી રેટની વાત કરીએ તો તે ૧.૨૧ ટકા છે જે છેલ્લા ૪૩ દિવસથી ૩ ટકાથી ઓછા પર ટકયો છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામીલનાડુ જેવા રાજ્યોમાં પણ કેસ ઘટી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૩૧૩ નવા કેસ આવ્યા છે અને ૧૮૧ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોવિડને કારણે ૪ લાખ ૫૦ હજાર ૯૬૩ લોકોના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં ૯૫.૮૨ કરોડને કોરોનાની રસી આપવામાં આવી છે.

(11:09 am IST)