Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂકને પડકારતી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી : 27 સપ્ટેમ્બરના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો

ન્યુદિલ્હી : દિલ્હી પોલીસ કમિશનર તરીકે રાકેશ અસ્થાનાની નિમણૂકને પડકારતી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની ખંડપીઠે 27 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યા બાદ આજરોજ મંગળવારે ચુકાદો આપી દીધો છે.

કેન્દ્ર દ્વારા અસ્થાનાની નિમણૂક પ્રકાશ સિંહ વિ યુનિયન ઓફ ઇન્ડિયાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના ઉલ્લંઘન સમાન હોવાની દલીલ કરવામાં આવી હતી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકારની દલીલોનું નેતૃત્વ કર્યું હતું. તેમણે દલીલ કરી હતી કે પ્રકાશ સિંહનો ચુકાદો માત્ર રાજ્યોના પોલીસ મહાનિદેશકો (DGPs) ને લાગુ પડે છે, દિલ્હીના પોલીસ કમિશનરને નહીં. અસ્થાનાને જાહેર હિતમાં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા, કારણ કે તેમની પાસે જરૂરી અનુભવ હતો, તેમ તેમણે જણાવ્યું હતું.

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ અસ્થાના વતી દલીલો કરી હતી. રોહતગીએ આલમની અરજીનો એ આધાર પર વિરોધ કર્યો કે તે અસલી નથી અને માત્ર પ્રોક્સી અરજી છે.બંને પક્ષોની દલીલો સાંભળી નામદાર કોર્ટે નિમણૂકને માન્ય ગણાવતો ચુકાદો આપ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:07 am IST)