Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જીએસટીના દરો વધારવા હિલચાલ : ફુટશે મોંઘવારીનો બોંબ

કેન્દ્ર સરકાર હાલના ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા એમ ૪ દરોમાંથી ૩ દરો કરવા માંગે છે : ૫ ટકાનો દર છે તે વધીને ૬ ટકા કરાશે અને ૧૨ ટકાવાળો દર વધારીને ૧૩ ટકા કરાશેઃ ટેકસ રેટનું માળખુ સરળ કરવા આ ફેરફાર કરાશે

નવી દિલ્હી, તા. ૧૨ :. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, અનાજ, કઠોળ, રાંધણ ગેસ, સીએનજી, પીએનજી સહિતની ચીજવસ્તુઓમાં થયેલા ભાવ વધારા બાદ હવે સામાન્ય લોકો ઉપર એક નવો બોજો આવી રહ્યો છે અને તે છે જીએસટીના દરોમાં વધારો. જો સરકાર જીએસટીના દરો વધારશે તો આગામી દિવસોમાં મોંઘવારીનો બોંબ ફુટશે તે નક્કી છે.

મળતા અહેવાલો મુજબ સરકાર જીએસટીના દરોમાં વધારો કરવા વિચારી રહી છે. મળતા અહેવાલો અનુસાર કેટલાક સામાન અને સેવાઓ ઉપર ટેકસ વધારવાનો સરકારનો ઈરાદો છે. ટેકસ માળખાને સરળ બનાવવાના ભાગરૂપે સરકાર જીએસટીના દરોમાં વધારો કરશે. ડીસેમ્બરમાં જીએસટી કાઉન્સીલની બેઠક મળે તેવી શકયતા છે અને તેમા વર્તમાન ૪ રેટવાળી સીસ્ટમમાં ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે.

હાલ દેશમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના દરથી જીએસટી વસુલવામાં આવે છે. આમા કેટલીક જરૂરીયાતની ચીજવસ્તુઓ જેમ કે ખાવાપીવાની ચીજવસ્તુઓ પર સૌથી ઓછો દર અને લકઝરી આઈટમ પર સૌથી વધુ દરથી ટેકસ વસુલવામાં આવે છે.

સૌથી ઓછા બે રેટમાં વધારો કરવામાં આવે તેવી શકયતા છે. સૌથી ઓછા બે દરોમાં ૧ ટકાનો વધારો થઈ શકે છે જે ૫ ટકાથી વધારી ૬ ટકા અને ૧૨ ટકાથી વધારી ૧૩ ટકા કરવામાં આવે તેવી શકયતા છે. આ યોજના હેઠળ જીએસટીના દરોને ૪ થી ઘટાડી ૩ કરવામાં આવશે. નાણામંત્રી આવતા મહિનાના અંત સુધીમાં આ મામલે પોતાનો પ્રસ્તાવ રજૂ કરે તેવી શકયતા છે.

જીએસટીના દરોમાં વધારો કરવાનો નિર્ણય એવા સમયે લેવાશે કે જ્યારે દેશમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણી થવાની છે. આ પગલાની ટીકા પણ થાય તેવી શકયતા છે.

(3:10 pm IST)