Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

૧૦ રાજ્યો ભયાનક વીજ કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે: ગુજરાત, પંજાબ અને રાજસ્થાન ટોચના વીજળી ખરીદનારા: સંખ્યાબંધ રાજ્યો કોલ ઇન્ડિયાને ચુકવણું કરવામાં નિષ્ફળ ગયા: ઉર્જા મંત્રી સિંઘ મોડેથી પત્રકારોને સંબોધન કરશે

ઘર આંગણે કોલસાની અછતને કારણે વીજ કટોકટી સર્જાઇ છે ત્યારે ન્યુઝ ફર્સ્ટે કેટલાક લેટેસ્ટ અપડેટ આપ્યા છે. ૧૧૫ કોલસા આધારિત થર્મલ પ્લાન્ટમાં ૧૦ ઓક્ટોબરના રોજ છ દિવસથી પણ ઓછો કોલસો બચ્યો છે.  ૭૦ જેટલા પાવર પ્લાન્ટમાં ચાર દિવસથી પણ ઓછો કોલસો વધ્યો છે.

૧૦ ઓક્ટોબરની સ્થિતિએ દેશમાં ૨૭૧૪  મેગાવોટ પાવર શોર્ટજ પ્રવર્તે છે.  ઉર્જા અને કોલસા વિભાગના સચિવો વીજળી અને કોલસાની ઉપલબ્ધતા અંગે પીએમઓ ખાતે આજે પ્રેઝન્ટેશન આપશે. ૧૦ રાજ્યો હાલમાં વીજળીની ભયંકર અછતથી પીડાઈ રહ્યા છે.

હાલમાં વીજળીની કોસ્ટ પ્રતિ યુનિટ રૂ ૫.૫૦   વિરુદ્ધ રૂપિયા ૧૬ એક્સચેન્જમાં યુનિટ દીઠ  થાય છે.ગુજરાત, પંજાબ અને રાજસ્થાન એક્સચેન્જમાંથી વીજળી ખરીદનારા ટોચના બાયર્સ હાલમાં છે. વીજ એક્સચેન્જ પાસેથી પંજાબ દરરોજ અગિયારસો મેગાવોટ વીજળી ખરીદે છે. મોટાભાગે સાંજના સમયે આ જરૂરિયાત પડે છે. પાવર એકસચેન્જમાં પ્રતિ યુનીટ ૨૦ રૂપિયા ભાવ આપવો પડે છે.

 વીજ અછત સિવાય પણ ઘણા રાજ્યો કોલ ઇન્ડિયા પાસેથી કોલસો ખરીદ કરી સંપૂર્ણ અથવા તો અંશતઃ રકમ આપવામાં પણ નિષ્ફળ ગયા છે. રાજ્યો દ્વારા બાકી રહેતી રકમ અને ચુકવણાના આધારે કોલ ઇન્ડિયા રાજ્યોને કોલસો પુરો પાડે છે.કોલસા કંપનીઓને ચુકવણા કરવામાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર સૌથી મોટા ડિફોલ્ટરો છે.

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે સિંઘ આજે મોડેથી પત્રકારોને કોલસા કટોકટી અંગે સંબોધન કરે તેવી શક્યતા છે.(ન્યૂઝફર્સ્ટ)

(9:53 am IST)