Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળોએ ૫ જવાનોની શહાદતનો લીધો બદલો : ૨૪ કલાકમાં ૬ આતંકી ઠાર

માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર-એ-તૈયબાના છે

શોપિયાં,તા. ૧૨:  પુંછ બાદ હવે શોપિયાંમાં ઇમામસાહબ વિસ્તારના તુલરાનમાં પણ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. આ વાતની જાણકારી મંગળવારે જમ્મુ-કાશ્મીર પોલીસે આપી છે. શોપિયાંમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં જવાનોએ LeT (TRF)ના ૬ આતંકવાદીઓને ઠાર માર્યા છે. મળતી જાણકારી મુજબ, માર્યા ગયેલા આતંકવાદીઓમાં બિહારના વીરેન્દ્ર પાસવાનના હત્યારા પણ સામેલ છે. પોલીસ અધિકારીએ જાણકારી આપી હતી કે સોમવાર સાંજે મળેલી માહિતીના આધારે શોપિયાંમાં બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સોમવારે કહ્યું હતું કે, વિશ્વાસપાત્ર જાણકારીના આધારે શોપિયાંમાં સાંજથી બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. તુલરાનમાં એન્કાઉન્ટર શરૂ થઇ ગયું છે. ૩-૪ આતંકવાદીઓને ઘેરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે શોપિયાંના ખેરીપોરામાં બીજું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ૨૪ કલાકની અંદર આ ત્રીજું એન્કાઉન્ટર છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં થઈ રહેલી આતંકી ઘટનાઓ બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી તેજ કરી દીધી છે.

શોપિયાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી સુરક્ષા દળોએ દારુગોળા સહિત મોટી સંખ્યામાં સામગ્રી કબજે કરી છે. કાશ્મીર ઝોન પોલીસે જાણકારી આપી હતી કે માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર-એ-તૈયબાના વ્ય્જ્દ્મક છે. કાશ્મીર આઇજી વિજય કુમારે જણાવ્યું કે, ઠાર મરાયેલા ત્રણેય આતંકવાદી પૈકી એકની ઓળખ ગંદરબલના મુખ્તાર શાહના રૂપમાં થઈ છે. શાહે ખાવાનો સ્ટોલ લગાવનાર બિહારના વીરેન્દ્ર પાસવાનની હત્યા બાદ શોપિયાંમાં આવી ગયો હતો. પોલીસે ઘેરી લીધેલા આતંકવાદીઓને સરેન્ડર કરવાની અપીલ કરી હતી. લાઉડસ્પીકરના માધ્યમથી આતંકવાદીઓને સમજાવવાનો પ્રયાસ કરતા જવાનોનો વીડિયો પણ સામે આવ્યો હતો.

સોમવારે પુંછમાં પણ આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર થયું હતું. અધિકારીઓએ આશંકા વ્યકત કરી હતી કે ઘટનામાં સામેલ આતંકવાદી ઓગસ્ટ મહિનામાં પુંછમાં ઘૂસણખોરી કરનાર સમૂહના છે. એન્કાઉન્ટમાં શહીદ થયેલા સૈનિકોની ઓળખ નાયબ સૂબેદાર જસવિંદર સિંહ માના, નાયક મનદીપ સિંહ, સિપાહી ગજ્જન સિંહ, સરાજ સિંહ, વૈશાખ એચ.ના રૂપમાં થઈ છે.

(3:14 pm IST)