Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

કાળાનાણાં મામલે કેન્દ્રને મોટી સફળતા :સ્વિત્ઝરલેન્ડે ભારતીયોના સ્વિસ બેન્ક ખાતાઓની ત્રીજી યાદી આપી

સ્વિસ સરકારે જણાવ્યું કે, તેમણે ૮૬ દેશો સાથે ૩૧ લાખ નાણાકીય ખાતાઓની માહિતી શેર કરી

નવી દિલ્હી : કાળાનાણાં સામેની લડાઈમાં કેન્દ્ર સરકારને મોટી સફળતા મળી છે. સ્વિટ્ઝર્લેન્ડ સાથે કાળા નાણાં અંગે થયેલ સંધિ મુજબ માહિતીના આદાન-પ્રદાનની નવી પદ્ધતિ હેઠળ સ્વિટ્ઝર્લેન્ડ સરકારે ભારત સરકારને ભારતીયોના સ્વિસ બેંક ખાતાઓની ત્રીજી યાદી આપી છે. સ્વિસ સરકારે જણાવ્યું કે, તેમણે ૮૬ દેશો સાથે ૩૧ લાખ નાણાકીય ખાતાઓની માહિતી શેર કરી છે. સ્વિસ સરકારે જણાવ્યું કે, તેણે ૯૬ દેશો સાથે ૩૩ લાખ ખાતાઓની માહિતી શેર કરી છે.

ભારત એ 96 દેશોમાં સામેલ છે જેમની સાથે સ્વિટ્ઝર્લેન્ડના ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશને આ વર્ષે માહિતીના આંતરિક આદાનપ્રદાન પર વૈશ્વિક ધોરણોના માળખા હેઠળ નાણાકીય ખાતાઓની જાણ કરી છે. આ પહેલા ઓક્ટોબર 2020માં તેણે 86 દેશો સાથે 31 લાખ નાણાકીય ખાતાઓની માહિતી શેર કરી હતી. આ પહેલા સપ્ટેમ્બર 2019માં સ્વિટ્ઝર્લેન્ડે ભારત સહિત 75 દેશો સાથે આવી માહિતી શેર કરી હતી.

ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશને સોમવારે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, આ વર્ષે તેમણે વધુ 10 દેશો સાથે માહિતીનું આદાનપ્રદાન શરુ કર્યું છે. જેમાં એન્ટીગુઆ અને બાર્બુડા, અઝરબૈજાન, ડોમિનિકા, ઘાના, લેબેનોન, મકાઉ, પાકિસ્તાન, કતાર, સમોઆ અને વાઉઆતુનો સમાવેશ થાય છે.

જ્યારે એફટીએએ આ બધા 96 દેશોના નામ અને વધુ વિગતો જાહેર કરી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતને સતત ત્રીજા વર્ષે માહિતી મળી છે અને ભારતીય અધિકારીઓ સાથે શેર કરવામાં આવેલી આ વિગતો સ્વિસ નાણાકીય સંસ્થાઓમાં મોટી સંખ્યામાં વ્યક્તિઓ અને કંપનીઓના ખાતાઓ સાથે સંબંધિત છે.

ઉપરોક્ત માહિતી મુજબ સ્વિટ્ઝર્લેન્ડે 26 દેશો સાથે માહિતી શેર કરવાની સંધિ તો કરી પરંતુ, તેના બદલામાં સ્વિટ્ઝર્લેન્ડે તેમને માહિતી આપી ના હતી. એવું માનવામાં આવે છે કે, સ્વિટ્ઝર્લેન્ડે ડેટા સુરક્ષાને કારણે ૧૪ દેશોને માહિતી શેર કરવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ બાર દેશોએ જાણી જોઈને માહિતી ન મેળવવા અંગે સહમતી દર્શાવી હતી.

(9:23 pm IST)