Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

દુર્ગા પૂજા સમિતિઓને નાણાં આપવા મુદ્દે મમતાને રાહત

બંગાળ સરકારના નિર્ણય ઉપર રોકનો ઇન્કાર :સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારના નિર્ણય પર પ્રતિબંધ મુકવા ઇન્કાર કર્યો પરંતુ જવાબ આપવા છ સપ્તાહ માટે મહેતલ

નવીદિલ્હી, તા. ૧૨ : દુર્ગા પૂજા સમિતિઓને ૨૮ કરોડ રૂપિયા આપવાના મામલામાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટની આજે મોટી રાહત મળી હતી. રાજ્ય સરકારના ચુકાદાને પડકાર ફેંકતી અરજી ઉપર સુનાવમી દરમિયાન કોર્ટે પૂજા સમિતિઓને ૧૦-૧૦ હજાર રૂપિયાના આપવાના ચુકાદા ઉપર કોઇ પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે કોર્ટે મમતા સરકારને નોટિસ જારી કરીને છ સપ્તાહમાં જવાબની માંગ કરી છે. જસ્ટિસ મદન બી લાકોર અને જસ્ટિસ દિપક ગુપ્તાની બનેલી બેંચે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે મમતા સરકારના નિર્ણય ઉપર પ્રતિબંધ મુકી શકે તેમ નથી. પીઠે દુર્ગા પૂજા સમિતિઓને નાણા આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો છે. સપ્રીમ કોર્ટે એડવોકેટ સૌરભ દત્તાની અરજી ઉપર સુનાવણી ચલાવતી વેળા કહ્યું હતું કે, રાજ્ય સરકારના નિર્ણયને લઇને સરકાર સ્વતંત્ર છે. મમતા બેનર્જીને આ નિર્ણય બાદ રાહત થઇ છે. જો કે, પુજા સમિતિઓને ૧૦-૧૦ હજાર રૂપિયા આપવાના નિર્ણયને લઇને મમતા સરકારની ચારેબાજુ ટિકા થઇ રહી છે. સુપ્રીમ કોર્ટ એડવોકેટ સૌરભ દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચલાવી રહી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, દુર્ગા પૂજા માટે રાજ્યભરમાં ૨૮૦૦૦ પુજા સમિતિઓને ૨૮ કરોડ રૂપિયા આપવાના મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારના નિર્ણય સામે તેમને વાંધો છે. આ નિર્ણય સામે પડકાર ફેંકવાાં આવ્યો હતો. ૧૦મી સપ્ટેમ્બરના દિવસે મમતા બેનર્જીએ રાજ્યભરમાં ૨૮ હજાર પુજા સમિતિઓમાંથી દરેકને ૧૦-૧૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આમાથી ૩૦૦૦ સમિતિઓ કોલકાતા શહેરમાં અને ૨૨૦૦૦ હજાર સમિતિઓ અન્ય જિલ્લાઓમાં છે. આના ઉપર સરકારને ૨૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. મમતા બેનર્જી સરકાર હાલમાં હિન્દુત્વની દિશામાં આગળ વધી રહી છે. બંગાળમાં ભાજપે તેની સામે મોટો પડકાર ઉભો કર્યો છે ત્યારે તેની હાલત કફોડી બની ગઈ છે. તૃણમુલ કોંગ્રેસની હાલત પણ આગામી દિવસોમાં અન્ય પાર્ટીઓની જેમ જ અને ખાસ કરીને ડાબેરીઓની જેમ ન બને તે માટે મમતા બેનર્જી સક્રિય દેખાઈ રહ્યા છે. દુર્ગા પૂજામાં સમિતિઓને ૧૦-૧૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ નિર્ણયની ટિકા થઇ રહી હતી. રોહિગ્યાના મુદ્દે પણ મમતા બેનર્જી સરકાર મુશ્કેલીનો સામનો કરી ચુકી છે. આવી સ્થિતિમાં આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ હતી.

(7:57 pm IST)