Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

૨૦૦૮માં હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ ઉપર ફરિયાદ નોંધાવી તો પોલીસે ખોટો કોર્ટ કેસ કરવાની ધમકી આપી હતીઃ તનુશ્રી દત્તાનો આક્ષેપ

 

બોલિવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં બુધવારે પોતાનું સ્ટેટમેન્ટ લખાવ્યું. તનુશ્રીએ આરોપ લગાવ્યો છે કે, 2008માંહોર્ન ઓકે પ્લીઝના સેટ પર હેરસમેન્ટની ફરિયાદ નોંધાવી તો પોલીસે ખોટો કોર્ટ કેસ કરવાની ધમકી આપી હતી. જણાવી દઈએ કે, નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય અને ફિલ્મ ડાયરેક્ટર રાકેશ સારંગ અને પ્રોડ્યુસર સામી સિદ્દીકી સામે તનુશ્રીનું નિવેદન નોંધવામાં પોલીસને 4 કલાક લાગ્યા. મામલે તનુશ્રીએ 6 ઓક્ટોબરે લેખિત ફરિયાદ કરી હતી.

કલમ 354, 509 હેઠળ નોંધ્યું સ્ટેટમેન્ટ

મુંબઈ પોલીસના પ્રવક્તા મંજુનાથ શિંગેએ કહ્યું કે, “ મામલે કલમ 354 (કોઈ મહિલા પર હુમલો કે જબરદસ્તી કરે) અને કલમ 509 (કોઈ મહિલાના ચારિત્ર્ય અને સન્માનને હાનિ પહોંચાડતી વાત કે હરકત કરવી) હેઠળ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.” પોલીસે માહિતી આપી કે તનુશ્રીનું નિવેદન ઈંગ્લિશમાં નોંધવામાં આવ્યું છે. નિવેદન નોંધ્યું તે સમયે તનુશ્રીના વકીલ અને એક સીનિયર મહિલા પોલીસ અધિકારી સહિત બે મહિલા પોલીસ અધિકારીઓ હાજર હતા.

તનુશ્રીએ જણાવ્યો સમગ્ર ઘટનાક્રમ

તનુશ્રીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, “શૂટિંગના ચોથા દિવસે 26 માર્ચ 2008ના રોજ સેટ પર 100 સપોર્ટિંગ સ્ટાફ હાજર હતો, જેમાં જૂનિયર આર્ટીસ્ટ, ડાન્સર અને કેટલાક અન્ય લોકો સામેલ હતા. નાના પાટેકરે મારી ઈચ્છા અને સહમતિ વિના મને બાહુપાશમાં લઈ લીધી અને મને ચારે બાજુ ફેરવવા લાગ્યા જાણે મને ડાન્સ શીખવતા હોય. કોરિયોગ્રાફર નહોતા. જ્યારે તે મને ખોટી રીતે સ્પર્શ કરવા લાગ્યા ત્યારે કોઈએ સવાલ ઉઠાવ્યો. દરેક વ્યક્તિ અપરાધના મૂકપ્રેક્ષક બનીને ઊભા હતા. હું અનકમ્ફર્ટેબલ થઈ ગઈ હતી. તેમણે કોરિયોગ્રાફર અને જૂનિયર આર્ટીસ્ટને ત્યાંથી જવાનું કહ્યું જેથી મને ડાન્સ શીખવી શકે. તેમનો વ્યવહાર અયોગ્ય હતો અને હું જરાપણ કમ્ફર્ટેબલ ફીલ નહોતી કરતી. મેં દિવસે ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને કોરિયોગ્રાફરને નાના પાટેકરના વર્તન વિશે ફરિયાદ કરી.”

સહમતિ વગર નવા સ્ટેપ ઉમેર્યા

તનુશ્રીએ નિવેદનમાં આગળ જણાવ્યું કે, “કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ મને કહ્યું કે ડાન્સમાં કેટલાક નવા સ્ટેપ ઉમેરવામાં આવ્યા છે જેમાં નાના પાટેકર ઈન્ટીમેટ થઈને મને ટચ કરે છે. સામી સિદ્દીકી, રાકેશ સારંગ, ગણેશ આચાર્ય અને નાના પાટેકરે સેટ પર એક જોઈન્ટ મીટિંગ કરી અને મારી સહમતિ, જાણકારી અને ઈચ્છા વિના ઈન્ટીમેટ ડાન્સ સ્ટેપ રાખવાનો નિર્ણય કર્યો. હું સેટ પરથી નીકળીને મારી વેનિટી વેનમાં જતી રહી કારણકે તે લોકો મને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરતા હતા.

ખોટા કેસની ધમકી આપી: તનુશ્રી

તનુશ્રીએ આગળ કહ્યું કે, “વેનિટી વેનમાંથી મેં મારા મેનેજર જમશેદજી અને મારા પેરેન્ટ્સને ફોન કર્યો. જ્યારે તેઓ આવ્યા અને તેમણે પૂછ્યું કે નાના પાટેકર મારી સાથે ગેરવર્તણૂક કેમ કરે છે તો પ્રોડ્યુસરે કહ્યું કે મારી કોઈપણ સ્થિતિમાં ડાન્સ સ્ટેપ કરવો પડશે. તેમણે સમસ્યા ઉકેલ્યા વિના શૂટનું પેકઅપ કરી દીધું. મને તેમના તરફથી ધમકી મળી કે મારા ખોટો પોલીસ અને કોર્ટ કેસ કરવામાં આવશે. તેમજ ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી બોયકોટ કરી દેવાશે.”

નાના પાટેકરના વકીલે આરોપો ફગાવ્યા

નાના પાટેકરના વકીલ રાજેન્દ્ર શિરોડકરે જણાવ્યું કે, “અમે તમામ આરોપોને નકારીએ છીએ.” ગણેશ આચાર્ય અને રાકેશ સારંગે મામલે મેસેજ કે ફોનથી પણ જવાબ આપ્યો નથી. જો કે, સામી સિદ્દીકીના વકીલ કિશોર ગાયકવાડે કહ્યું કે, “હું મારા ક્લાયંટ પર લાગેલા તમામ આરોપોનું ખંડન કરું છું. પોલીસને કેસની તપાસ કરવા દો. અમે FIR નોંધાયા પહેલાં પોલીસને આવેદન આપી દીધું છે.”

(6:06 pm IST)