Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

રાફેલમાં અનિલ અંબાણીની ફર્મનું ફકત ૧૦% જ ઓકસેટ રોકાણઃ દાસો CEO

સીઇઓ ટ્રેપિયરે કહ્યું ''અમે આશરે ૧૦૦ જેટલી ભારતીય કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ

પેરિસ, તા.૧૨: પેરિસઃ રાફેલ વિવાદમાં દાસા એવિએશન કંપનીના સીઈઓના તાજેતરના નિવેદન બાદ નવો વણાંક આવ્યો છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે અનિલ અંબાણીની કંપનીનું રાફેલમાં ફકત ૧૦ ટકા જ ઓફસેટ રોકાણ છે. સીઈઓ એરિક ટ્રેપિયરે કહ્યું કે, તેની કંપની ૧૦૦ ભારતીય કંપની સાથે વાતચીત કરી રહી છે. ફ્રાંસની વેબસાઇટ મીડિયાપાર્ટે આ નિવેદન પ્રસિદ્ઘ કર્યું છે. વેબસાઇટ પર દાસા મેનેજમેન્ટ અને તેના કર્મીઓના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી એક બેઠકની નોટ્સનો હવાલો આપવામાં આવ્યો છે.

ટ્રેપિયરે સ્પષ્ટ કહ્યું કે રિલાયન્સ સાથે દાસા એવિએશન સંયુકત રીતે રાફેલ લાડાકુ વિમાન કરાર અંતર્ગત ૧૦% ઓફસેટ રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે. ટ્રેપિયરે કહ્યું, અમે આશરે ૧૦૦ જેટલી ભારતીય કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. જેમાંથી ૩૦ કંપનીઓ એવી છે જેમની સાથે અમે ભાગીદારીની જાહેરાત કરી દીધી છે.

ગુરુવારે પેરિસમાં એક પત્રકાર પરિષદમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના એ દાવાને ફરીથી દોહરાવ્યો હતો કે સરકારને કોઈ જ માહિતી ન હતી કે દાસા એવિએશન અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપ સાથે કોઈ જોડાણ કરશે.

મીડિયામાં આવેલા સમાચારમાં કહેવમાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ દાસાને મજબૂર કરી કે તે રિલાયન્સને તેના પાર્ટનર તરીકે પસંદ કરે, જયારે રિલાયન્સ પાસે ઉડ્ડયન ક્ષેત્રનો કોઈ જ અનુભવ નથી.

(4:32 pm IST)