Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ટ્રમ્પની ધમકીઃ તાકાત હોય તો ૪ નવેમ્બર બાદ ઈરાન પાસેથી ક્રુડ ખરીદી બતાવો

વોશિંગ્ટન, તા.૧૨: ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ મે મહિનામાં ઈરાન સાથેની પરમાણું સંધી રદ કરી હતી. અને ઈરાન પર વધુ આકરા પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. ઈરાન પરના આ નવા પ્રતિબંધ આગામી ૪ નવેમ્બરથી લાગુ થઈ રહ્યાં છે. પ્રતિબંધ બાદ અમેરિકાએ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાત યથાવત રાખનારા દેશોને ૪ નવેમ્બર સુધીમાં પોતાની આયાત ઘટાડી શૂન્ય કરવા કહ્યું છે. સાથે જ આમ નહીં કરનારા દેશો સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.આ અગાઉ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા પાસેથી પાંચ અબજ ડોલરના સોદામાં S-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવા પર ભારત સામે અમેરિકાના કાયદા અંતર્ગત શિક્ષાત્મક કાર્યવાહી થશે કે કેમ તે બાબતે આગામી સમયમાં ખબર પડી જશે. રશિયા સાથેની પાંચ અબજ ડોલરની ડિફેન્સ ડીલ પર અમેરિકા CAATSA નિયમ અંતર્ગત પ્રતિબંધ લગાવી શકે છે. ગત મહિને અમેરિકાએ ચીન પર આ પ્રકારના જ પ્રતિબંધો લગાવ્યા હતાં. ચીને રશિયા પાસેથી S-૩૫ ફાઈટર જેટ અને S-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવા પર આ પ્રતિબંધો લાગૂ કર્યાં હતાં. CAATSA અમેરિકાનો સંઘીય કાયદો છે. જે અંતર્ગત ઈરાન, નોર્થ કોરિયા અને રશિયા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. ભારત અને રશિયા વચ્ચે થયેલા આ સોદા વિષે ટ્રમ્પે કહ્યું હતું કે, ભારતને ટૂંક સમયમાં જ ખબર પડી જશે. પગલા ભરવાના સમય બાબતે પુછવામાં આવતા ટ્રમ્પે કહ્યું હતું કે, તમે જોતા રહો, અને તમે વિચારો છો તે પહેલા જ પગલા ભરવામાં આવશે.

(3:45 pm IST)