Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ગંભીર બનતી કોલસાની તંગી : દેશની દીવાળી ન ભગડે તે માટે સીએમડીએ લખ્યો પત્ર

સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કોલસાના ઉત્પાદનમાં પ્રતિદિન સ્તર પર ઓછામાં ઓછા ૨૦ લાખ ટનનો વધારો થવો જોઇએ

નવી દિલ્હી તા. ૧૨ : તહેવારમાં વીજળીની તકલીફ પડી શકે છે. કારણ કે દેશના ૧૨૨ પાવર પ્લાન્ટમાં કોલસાની મોટી ઘટ વર્તાઈ છે. વરસાદ પૂર્ણ થયા બાદ પણ કોલસાની આપૂર્તિમાં સુધારો થયો નથી. કોલસા સચિવ ઈન્દ્રજિત સિંહે આના પર ચિંતા વ્યકત કરતા કોલ ઈન્ડિયાના સીએમડીને પત્ર લખ્યો છે.

ઈન્દ્રજિત સિંહે કોલ ઈન્ડિયાના સીએમડીને જણાવ્યું છે કે આ ખૂબ ગંભીર વીષય છે અને સ્થિતી પર કાબૂ મેળવવા માટે કોલસાના ઉત્પાદનમાં પ્રતિદિન સ્તર પર ઓછામાં ઓછા ૨૦ લાખ ટનનો વધારો થવો જોઈએ. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કોલસાના ઉત્પાદનનું લક્ષ્ય ૬૫.૨૨ કરોડ ટન છે તો કોલસાના ઓફટેકનું લક્ષ્ય ૬૮.૧૨ કરોડ ટન રાખવામાં આવ્યું છે. કોલસા સચિવે જણાવ્યું કે કોલ ઈન્ડિયા અને તેની તમામ સબ્સિડિયરી કંપનીઓને કોલસાના ઉત્પાદનનાં વધારા માટે તાત્કાલીક રૂપથી બેઠક કરીને રણનીતિ બનાવવી જોઈએ.

કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણના રિપોર્ટ અનુસાર ૧૨૨ પાવર પ્લાન્ટના કોલસાના સ્ટોકમાં સપ્ટેમ્બર માસના મુકાબલે ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં આ ૧૨૨ પાવર પ્લાન્ટ પાસે ૧.૪૫ કરોડ ટન કોલસાનો સ્ટોક હતો જે ૧૦ દિવસ સુધી વિજળી ઉત્પાદન માટે પૂરતો હોય છે. ઓકટોબર મહિનામાં આ સ્ટોક ઓછો થઈને ૧.૦૩ કરોડ ટન રહી ગયો છે અને આનાથી વધારેમાં વધારે માત્ર ૬ દિવસ સુધી જ વિજળીનું ઉત્પાદન થઈ શકે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે જયાં સુધી કોલ ઈન્ડિયાના ઉત્પાદનનો સવાલ છે તો વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ છમાસિક ગાળામાં કોલસાના ઉત્પાદનમાં ગત વર્ષના સમાન સમયગાળાના મુકાબલે ૧૦.૬ ટકાનો વધારો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિજળીની વધારે માંગણી થવાથી કોલસા વધારે ખર્ચાઈ રહ્યા છે.(૨૧.૪)

(9:49 am IST)