Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પક્ષોએ અપરાધી ઉમેદવારોની વિગત ૩ વાર જાહેર કરવી પડશે

ચૂંટણી પંચે પક્ષો-નેતાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી : જે બેઠક પર ઉમેદવાર બિનહરીફ જીતી જાય ત્યાં પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડની વિગતો પ્રગટ કરવાની રહેશે

નવી દિલ્હી, તા. ૧૨ : ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને નેતાઓ માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવેથી ઉમેદવારી કરનારા નેતા અને પક્ષે ઉમેદવારના અપરાધોની વિગતો ત્રણ વાર જાહેર ખબર દ્વારા જણાવવાની રહેશે. ત્રણેવાર અખબારો અને ટેલિવિઝન પર આ વિગત જાહેર કરવાની રહેશે. ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની છેલ્લી તારીખના ચાર દિવસની અંદર પહેલીવાર આવી જાહેર ખબર આપવાની રહેશે. ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની છેલ્લી તારીખના પાંચથી આઠ દિવસમાં આવી જાહેર ખબર આપવાની રહેશે અને ત્રીજીવાર ચૂંટણી પ્રચાર પૂરો થવાના નવ દિવસ પહેલાં અને ચૂંટણી પ્રચાર પૂરો થાય એ પહેલાં આવી  જાહેર ખબર પ્રગટ કરવાની રહેશે.

ચૂંટણી પંચે કહ્યું હતું કે જે બેઠક પર ઉમેદવાર બિનહરીફ જીતી જાય ત્યાં પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડની વિગતો પ્રગટ કરવાની રહેશે. ચૂંટણી પંચ માને છે કે આ પગલાથી મતદારો, ઉમેદવારો અને રાજકીય પક્ષોમાં એક પ્રકારની જાગૃતિ આવશે. મતદારોને ઉમેદવારની અસલિયતની જાણ થતાં પસંદગીના વિકલ્પો વધશે.

આ ફેરફાર તત્કાળ અમલમાં આવે એ રીતે લાગુ પડાયા હતા. ચૂંટણી પંચના પ્રવક્તાએ કહ્યું કે લોકશાહીને વધુ અસરકારક બનાવવા માટે મતદારોને જાગૃત કરવા માટેના નિયમોને કડક કરવામાં આવે એ જરૂરી જણાતું હતું.

ચૂંટણી પંચે જાહેર કરેલી માર્ગદર્શિકા તત્કાળ અમલમાં આવે એવી જાહેરાત પણ પંચે કરી હતી.  એ તો જગજાહેર છે કે છેલ્લાં થોડાં વરસોથી વિધાનસભાઓ અને સંસદમાં ત્રીસ ટકાથી વધુ નેતાઓ ડઝનબંધ અપરાધોમાં સંડોવાયા હોય એવા પોલીસ રેકર્ડ ધરાવતા હતા.

(8:52 pm IST)