Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોનાની દેશી વેકસીનને મળી મોટી સફળતા, વાંદરામાંથી વાયરસનો સફાયો કર્યો

ભારત બાયોટેક તરફથી મુલાટા પ્રજાતિના ખાસ વાંદરાને આ વેકસીનનો ડોઝ આપ્યો હતો

નવી દિલ્હી : વેકસીન બનાવી રહેલી દેશી કંપની ભારત બાયોટેક  તરફથી પ્રાણીઓ પર વેકસીનનું પરીક્ષણ સફળ રહ્યાનો દાવો કર્યો છે. ભારત બાયોટેકે કહ્યું છે કે ટ્રાયલના પરિણામોમાં લાઇવ વાયરલ ચેલન્જ મોડલમાં વેકસીને સુરક્ષિત પ્રભાવ બતાવ્યો છે. હૈદરાબાદ સ્થિત ફર્મ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, ઙ્કભારત બાયોટેક ગર્વ સાથે COVAXINના પ્રાણીઓ પર કરવામાં આવેલા પરીક્ષણોનું પરીણામ જાહેર કરી રહી છે. આ પરિણામ લાઇવ વાયરલ ચેલેન્જ મોડલમાં વેકસીનની અસર બતાવે છે.

ભારત બાયોટેક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાંદરાઓ પર કરવામાં આવેલા પરીક્ષણથી વેકસીની પ્રતિરક્ષા વિશે માહિતી મળે છે. ભારત બાયોટેક તરફથી મુલાટા પ્રજાતિના ખાસ વાંદરાને આ વેકસીનનો ડોઝ આપ્યો હતો. કંપનીએ જણાવ્યું કે ગત દિવસોમાં હ્યૂમન ટ્રાયલનો પ્રથમ તબક્કો પણ પૂર્ણ કર્યો છે. હવે બીજા તબક્કા માટે DCGI પાસેથી મંજૂરી માંગી છે. એવું માની શકાય કે થોડા દિવસોમાં બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ શકે છે.

ભારત બાયોટેક તરફથી પ્રથમ તબક્કામાં ૧૨ શહેરમાં વેકસીનનું ટ્રાયલ કર્યું હતું. આ દરમિયાન ૩૭૫ લોકોએ ટ્રાયલમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે ભારતમાં હાલ ત્રણ અલગ અલગ વેકસીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ગુજરાતની કંપની ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ પૂણેમાં બીજા તબક્કાનું કિલનિકલ ટ્રાયલ શરૂ થઈ ગયું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ બ્રિટેનની ઓકસફોર્ડ યુનિવર્સિટી તરફથી તૈયાર કરવામાં આવેલી વેકસીનનું ભારતમાં ટ્રાયલ કરી રહી છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત બાયોટેક તરફથી બીજા તબક્કાના કિલનિકલ ટ્રાયલ માટે SEC કમિટીને પત્ર લખવામાં આવ્યો છે. DCGI ડોકટર એસ. ઐશ્વર્ય રેડ્ડીએ તેના જવાબમાં ૩૯૦ લોકો પર ટ્રાયલ કરવાની ભલામણ કરી છે. નોંધનીય છે કે કોઈ પણ રસીનું સામાન્ય રીતે ત્રણ તબક્કામાં પરીક્ષણ થાય છે. પહેલા તબક્કામાં એવું માલુમ પડે છે કે શું આ વેકસીન આપ્યા બાદ તેની કોઈ આડ અસરત તો નથી થતી ને.

પ્રથમ તબક્કામાં એવી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે રસીનો ઉપયોગ સુરક્ષિત છે કે નહીં. આ દરમિયાન ઓછા માત્રામાં લોકોને પરીક્ષણમાં સામેલ કરવામાં આવે છે. બીજા તબક્કામાં આ રસી લોકો પર કેટલી અસરકારક છે તે ચકાસવામાં આવે છે. જયારે અંતિમ તબક્કામાં હજારો લોકોને રસીનો ડોઝ આપવામાં આવે છે.

(3:37 pm IST)