Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ફ્રાન્સના અખબાર શાર્લી એબ્દોએ પૈગંબર સાહેબનું કાર્ટૂન ફરી છાપ્યું, અલ કાયદાએ આપી ધમકી

મોહમ્મદ પૈગંબર સાહેબનું કાર્ટૂન છાપતા ૨૦૧૫માં ફ્રાન્સના અખબાર પર આતંકી હુમલો થયો હતો

પેરિસ,તા.૧૨ : અલ-કાયદાએ ફ્રાન્સના અખબાર શાર્લી એબ્દોને વધુ એક વખત ૨૦૧૫ જેવો હુમલો કરવાની ધમકી આપી છે. અલ કાયદાએ આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને સામે પણ નિશાન સાધ્યું છે. તાજેતરમાં શાર્લી એબ્દો પર થયેલા હુમલાની સુનાવણી શરૂ થઈ ત્યારે અખબારે ફરી એક વખત પૈગંબર મોહમ્મદ સાહેબનું એજ કાર્ટૂન છાપ્યું હતું, જેનાથી ગુસ્સે થઈ પહેલા અલ કાયદાએ હુમલો કર્યો હતો.

અલ કાયદાએ તેના પ્રકાશન વન ઉમ્માહમાં ધમકી આપતા જણાવ્યું છે કે જો શાર્લી એબ્દોને લાગે છે કે ૨૦૧૫ના હુમલા બાદ અમે ચૂપ રહીશું તો તે તેની ભૂલ છે. અલ-કાયદાએ અમેરિકામાં થયેલા ૯/૧૧ના હુમલાની વરસી પર આ આવૃતિ પ્રકટ કરી હતી. જેમાં ધમકી આપવામાં આવી કે તે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને પણ એ જ સંદેશ આપશે જે ફ્રાકોઈસ ઓલાંદેને આપ્યો હતો. અલ કાયદાએ આક્ષેપ કર્યો કે મેક્રોંએ ફરી આ કાર્ટૂન છાપવા માટે મંજૂરી આપી હતી.

બીજીતરફ અખબારના ડાયરેકટર લોરેન્ટ સૂરુસૂએ કોર્ટમાં જણાવ્યું કે કાર્ટૂનને ફરી વખત છાપવાનો તેમને કોઈ જ પસ્તાવો નથી. લોરેન્ટ પણ ૨૦૧૫ના હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા. લોરેન્ટે જણાવ્યું કે આ વખતે કાર્ટૂન ના છાપવાનો એ અર્થ થાત કે અગાઉ અમે તેને છાપીને ભૂલ કરી હતી.મેક્રોંએ અગાઉ જણાવ્યું હતું કે તે એબ્દોના કાર્ટૂ છાપવાના અંગે કોઈ ચુકાદો આપવાની સ્થિતિમાં નથી. તેમણએ ફ્રાન્સના લોકોને પરસ્પર સમ્માન આપવાની જરૂર હોવાનું જણાવ્યું અને નફરતની વાતો નહીં કરવા સલાહ આપી હતી. જો કે તેમણે કાર્ટૂનને બીજી વખત છાપવાની આલોચના કરવાનો ઈનકાર કર્યો હતો.

(4:18 pm IST)