Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોઇ પણ બિઝનેસ શરૂ કરવા સાહસ જરૂરી છે

પૂણેની મહિલાએ રૂ.૩૦૦૦ના રોકાણથી શરૂ કર્યો સલાડનો બિઝનેસઃ આજે લાખોની કરે છે કમાણી

પુણે, તા.૧૨: રેસ્ટોરાં કે હોટલમાં જમવા જઈએ ત્યારે મેઈન કોર્સની સાથે સલાડ પણ મગાવતા હોઈએ છીએ. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન લોકો મસાલેદાર કે તળેલું ખાવાના બદલે સલાડ જેવી હેલ્ધી વસ્તુઓ વધુ ખાવાનું પસંદ કરે છે. આજકાલ તો લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ને વધુ જાગૃત થઈ રહ્યા છે. એવામાં સલાડ તેમની પહેલી પસંદ બન્યું છે. બહારથી લોકો વિવિધ પ્રકારનું ફૂડ ઓર્ડર કરે છે, જેમાં સલાડનો પણ સમાવેશ થાય છે. તમને થશે કે સલાડ બહારથી થોડું ઓર્ડર થાય, એ તો દ્યરે જ બની જાય. પરંતુ પૂણેના એક મહિલાએ સલાડનો બિઝનેસ શરૂ કર્યો છે અને તેમાંથી લાખોની કમાણી કરે છે! વાંચીને નવાઈ લાગી ને?

પૂણેમાં રહેતા મેદ્યા બાફના નામના મહિલાએ સલાડનો બિઝનેસ શરૂ કર્યો અને દુનિયાને બતાવ્યું કે આ રીતે પણ ખૂબ સારી કમાણી કરી શકાય છે. મેઘાને પહેલાથી જ વિવિધ પ્રકારના સલાડ બનાવવાનો શોખ રહ્યો છે. તેમને થયું કે, લોકો સુધી વિવિધ પ્રકારના સલાડનો સ્વાદ ચોક્કસ પહોંચવો જોઈએ. આ નિર્ણય સાથે મેઘાએ ૨૦૧૭માં સલાડનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેઓએ ઘરે સલાડ તૈયાર કરીને વોટ્સએપ ગ્રુપ પર અન્ય લોકો સાથે શેર કર્યું કે તેઓ આનો બિઝનેસ શરૂ કરી રહ્યા છે. જલદી જ તેમને સલાડના ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા. પહેલા દિવસે તેમને પાંચ ઓર્ડર મળ્યા હતા, જે તેમના મિત્રોએ જ આપ્યા હતા. ધીમે-ધીમે મેદ્યાના સલાડનો સ્વાદ લોકોની દાઢે વળગ્યો અને બિઝનેસ વધવા માંડયો. (તમામ તસવીરો- મેદ્યા બાફના ફેસબુક)

હવે મેઘા એક બિઝનેસ વુમન બની ગયા છે. ૩૦૦૦ રૂપિયામાં તેમણે આ બિઝનેસ શરૂ કર્યો હતો અને અત્યાર સુધીમાં ૨૨ લાખ જેટલી કમાણી કરી ચૂકયા છે. જો કે, અહીં સુધી પહોંચવા મેદ્યાએ ખૂબ મહેનત કરી છે. તેઓ રોજ સવારે સાડા ચાર વાગ્યે ઉઠતા હતા. તરત જ સલાડના પેકેટ તૈયાર કરવામાં લાગી જતા હતા. શાક લાવવું, મસાલા તૈયાર કરવા વગેરે બધું જ કામ તેઓ જાતે કરે છે. ઘણીવાર તેમને ખોટ પણ ગઈ છતાં તેઓ નાસીપાસ થયા વિના કામ કરતા રહ્યા. થોડા જ સમયમાં તેમનો બિઝનેસ સેટ થઈ ગયો.

કોરોના મહામારીના કારણે જાહેર કરાયેલા લોકડાઉન પહેલા સુધી તેમના ૨૦૦ રેગ્યુલર કસ્ટમર હતા. તેમની માસિક બચત ૭૫ હજારથી ૧ લાખ રૂપિયા સુધીની છે. ૨૦૧૭માં મેઘાએ બિઝનેસ શરૂ કર્યો હતો અને અત્યાર સુધી લગભગ ૨૨ લાખ રૂપિયા કમાઈ ચૂકયા છે. કહેવાય છે ને કે જે હિંમતથી કામ લે તે કદી હારતું નથી. કોઈપણ બિઝનેસ કરવા માટે સાહસ જરૂરી છે. આ દરમિયાન નિષ્ફળતા મળશે પરંતુ તેનાથી ડર્યા વિના આગળ વધશો તો ચોક્કસ સફળતા મળશે.

મેદ્યા ટેસ્ટી સલાડની સાથે ગ્રાહકોને વેરાયટિ પણ આપે છે. દરેક ગ્રાહક માટે તેમણે રોજનું અલગ-અલગ મેનૂ નક્કી કરીને રાખ્યું છે. અઠવાડિયામાં પાંચ દિવસ તેઓ સલાડની ડિલિવરી કરે છે અને પાંચેય દિવસ અલગ પ્રકારના સલાડ પીરસે છે. સોમવારથી શુક્રવાર સુધી એકપણ દિવસનું સલાડનું મેનૂ સરખું નથી હોતું. સલાડની ૨૨ વેરાયટિ હંમેશા તેમના મેનુમાં રહે છે. આ સિવાય ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી ધરાવતા ગ્રાહકો માટે તેમના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને સલાડ તૈયાર કરાય છે. મેદ્યાનું કહેવું છે કે, હાલ તો તેઓ પૂણેમાં જ આ સલાડ વેચે છે પરંતુ ભવિષ્યમાં તેઓ મુંબઈમાં પણ બિઝનેસ વિસ્તારવા માગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મેદ્યા ૧૦-૭ને પોતાની જોબ સાથે આ સાઈડ બિઝનેસ કરે છે. મેઘાનું કહેવું છે કે, અઘરું પડે છે પણ ટાઈમ મેનેજમેન્ટ આવડે તો અશકય નથી.

(3:31 pm IST)