Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

૩બી રિટર્નમાં હવેથી GSTR ૧ ના આધારે ઓટો ડ્રાફટની સુવિધા મળશે

દર મહિને રિટર્ન ભરનારાઓને હવે PDFમાં તમામ વિગતો જોવા મળશે : GSTR ૧ ભરવામાં ભૂલ થઇ હશે તો ૩બી રિટર્નમાં ઝીરો ફિગર પણ આવી શકે

મુંબઇ, તા. ૧ર : વેપારીઓ દ્વારા કરવામાં આવતા ખરીદ અને વેચાણની વિગતો જીએસટીઆર ૧ માં દર્શાવવામાં આવતી હોય છે તેના આધારે વેપારીઓ જીએસટી ૩બી રિટર્ન ભરતા હોય છે, પરંતુ કેટલી વખત ૩બી રિટર્ન ભરતી વખતે વેપારીઓને તાળો મળતો નહીં હોવાથી પણ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે તેવા નિરાકરણ માટે જીએસટીઆર ૧માં ભરવામાં આવતા ડેટાને ૩બી રિટર્નના ડેટામાં ઓટો પોપ્યુલેટેડ થાય તેની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.

વેપારીઓએ સમગ્ર માસ દરમિયાન ખરીદ અન વેચાણના આધારે જ જીએસટી રિટર્ન ભરવા માટે કેટલીક વખત ચોપડા ઉથલાવવા પડતા હોય છે, પરંતુ હવેથી આમાંથી વેપારીઓને રાહત મળે તે પ્રમાણેની કામગીરી જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. કારણ કે વેપારીઓ દ્વારા કરવામાં આવેલી ખરીદ અને વેચાણની વિગતો જીએસટીઆર ૧માં ભરવામાં આવતી હોય છે. આ વિગતોને આપોઆપ જ જીએસટી ૩બીના રિટર્નમાં પીડીએફ સ્વરૂપે આપવાની શરૂઆત કરી છે. જેથી વેપારીએ કોઇ માલનું વેચાણ કર્યું હોય કે ના કર્યું હોય તેની વિગતો પીડીએફમાં દર્શાવવામાં આવી હશે. કારણ કે કેટલીક વખત વેપારીઓ જીએસટીઆર ૧ ભરવામાં ભૂલ થતી હોય છે. આ ભૂલને આધારે ૩બી રિટર્નમાં પીડીએપ  સ્વરૂપે આપેલી વિગતમાં ઝીરો પણ દર્શાવવામાં આવી શકે તેમ છે.

હાલમાં જીએસટી વિભાગે આ સુવિધા ફકત દર મહિને જીએસટી રિટર્ન ભરનારાઓ માટે જ શરૂ કરી છે. જયારે આગામી દિવસોમાં દર ત્રણ મહિને રિટર્ન ભરનારાઓને પણ તેનો લાભ મળે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જીએસટી ૩બી રિટર્નમાં ટેબ સ્વરૂપે શરૂ કરાયેલી પીડીએફની સુવિધામાં જે પ્રમાણે વિગતો આપી હોય તે સીધી પણ ભરી શકાશ. જયારે તેમા વેપારીએ કોઇ ભૂલ કરી હશે તો તેમાં સુધારો કરીને પણ વેપારી રિટર્ન ભરી શકશે.

(11:26 am IST)