Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સરકાર ૨૩ નવા ખરડા લાવશે

સોમવારથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ

નવી દિલ્હી તા. ૧૨ : સરકારે સોમવારથી શરૂ થનાર સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવા માટે ૨૩ નવા વિધેયકો સૂચીબધ્ધ કર્યા છે જે ૧૧ સંબંધિત અધ્યાદેશોનું સ્થાન લેશે. સરકારે ૧૮ દિવસના સત્ર દરમિયાન જે અધ્યાદેશોને વિધેયકના રૂપમાં પસાર કરાવવાની યોજના બનાવી છે તેમાંથી એક આરોગ્ય કર્મીઓ સામેની હિંસાને રોકવા અંગે છે.

આ અધ્યાદેશમાં કોવિડ-૧૯નો મુકાબલો કરવા માટે તૈનાત આરોગ્ય કર્મચારીઓ સામે હિંસા અને તેમને હેરાન કરવાના કાર્યોને બિનજામીનપાત્ર ગુનો ગણાવાયો છે. આ અધ્યાદેશમાં મહત્તમ સજા સાત વર્ષનો કરાવાસ અને પાંચ લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે. તેનાથી ડોકટરો, નર્સો અને આશાવર્કરો સહિતના આરોગ્ય કર્મીઓની સુરક્ષાની જોગવાઇ કરાઇ છે.

બીજો એક અધ્યાદેશ એક એપ્રિલ ૨૦૨૦થી એક વર્ષ માટે સાંસદોના વેતનમાં ૩૦ ટકા કાપ મુકવાનો છે. તેની જગ્યાએ પણ એક વિધેયક રજૂ કરાશે. આમાંથી મળેલ રકમનો ઉપયોગ કોરોના સામેની લડાઇ માટે કરાશે.

કિસાન ઉત્પાદ કારોબાર અને વેપાર (પ્રોત્સાહન અને સુવિધા) વિધેયક ૨૦૨૦ને હાલમાં બહાર પડાયેલ એક અધ્યાદેશના સ્થાને લાવવામાં આવશે. તેમાં એક એવી વ્યવસ્થા તૈયાર કરવાની જોગવાઇ છે જેમાં ખેડૂતો અને ધંધાર્થીઓને પોતાના ઉત્પાદનોના વેચાણ અને ખરીદીમાં પોતાની પસંદગી કરવાની સ્વતંત્રતા હોયે. જેથી તેમને વૈકલ્પિક પ્રતિસ્પર્ધી માધ્યમોમાંથી યોગ્ય ભાવ મળી શકે. તેમાં ખેડૂતોને અડચણ વગર અને પારદર્શી વાતાવરણમાં ઉત્પાદનો બાબતે આંતરરાજ્ય વેપારની સુવિધા મળે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર ઓફિશ્યલ લેંગ્વેજ વિધેયક ૨૦૨૦, મેલું ઉપાડવાના કામને પ્રતિબંધિત કરવું અને તેમના પુનર્વાસ સંશોધન વિધેયક ૨૦૨૦ પણ રજૂ થવાના છે.

(11:24 am IST)