Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોંગ્રેસમાં લેટરબોમ્બને ડીસફ્યુઝ કરાયો : સંગઠનમાં ધરખમ ફેરફાર :આઝાદ, સિબ્બલ, આનંદ શર્મા વેતરાયા

સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓને સાઈડલાઈન કરાયા : આઝાદ અને શર્મા હવે માત્ર કારોબારીના સભ્ય: મધુસુદન મિસ્ત્રીનું કદ વધ્યું ;સિમ્બલનું કદ ઘટ્યું: સુરજેવાલાને પ્રમોશન

નવી દિલ્હીઃ કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફાર કરાયા છે, પક્ષ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓના કદ વેતરી નાંખવામાં આવ્યા છે જેમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ અને આનંદ શર્મા જેવા નેતાઓનો સમાવેશ થાય છે. જ્યારે રણદીપ સિંહ સુરજેવાલાને પ્રમોશન અપાયું છે.

કોંગ્રેસમાં મોટાપાયે કરાયેલા ફેરફારમાં ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી મહામંત્રી પદેથી હટાવી દીધા. તેમની સોનિયા ગાંધીના સલાહકાર સમિતિમાં પણ સામેલ કરાયા નહીં. આઝાદ અને આનંદ શર્મા માત્ર કારોબારી સમિતિના સભ્ય રહેશે. જ્યારે જતિન પ્રસાદને બંગાળના પ્રભારી બનાવી દેવાયા આશાકુમારીની પંજાબમાંથી હકાલપટ્ટી કરાઇ છે. હરિશ રાવત હવે પંજાબ કોંગ્રેસના પ્રભારી રહેશે. પક્ષમાં રણદીપ સિંહ સુરજેવાલાનું કદ વધારવામાં આવ્યું છે. તેઓ મહામંત્રી તરીકે જળવાઇ રહ્યા છે. ઉપરાંત તેમને સોનિયા ગાંધીની સલાહકાર સમિતિમાં પણ સામેલ કરાયા છે.

કોંગ્રેસ કારોબારીમાં રાહુલ ગાંધીની પોઝિશન હજુ પણ ઉપર છે. સોનિયા ગાંધી અને મનમોહન સિંઘ બાદ તેઓ ત્રીજા સ્થાને છે. જ્યારે રાહુલ ગાંધીની વિશ્વાસુ મધુસુદન મિસ્ત્રીનું કદ પણ વધી ગયું. સાથે અરવિન્દર સિંહ લવલીનું પણ પ્રમોશન થયું છે.

 અત્રે રાજસ્થાનમાં જ્યારે રાજકીય કટોકટી ચાલી રહી હતી. ત્યારે ગુલામ નબી આઝાદ સહિતના કોંગ્રેસના 23 નેતાઓએ સેનિયા ગાંધીને પત્ર લખી સંગઠનમાં ચૂંટણી કરાવવાની હિમાયત કરી હતી. જેના પગલે સોનિયા ગાંધી નારાજ થયાં હતા. જ્યારે રાહુલ ગાંધીએ તો આને બળવો ગણાવી ભાજપ સાથે સાંઠ-ગાંઠનો આરોપ પણ મૂકી દીધો હતો. તેની અસર કોંગ્રેસ કારોબારીમાં પણ જોવા મળી હતી. પરંતુ પછી કથિત રીતે બધુ થાળે પડી ગયું હતું.

પરંતુ ગુલામ નબી આઝાદે ત્યાર બાદ પણ મીડિયા સમક્ષ નિવેદનો ચાલુ રાખતા તેમના પર ગાજ પડશે, તે તોનિશ્ચિત જ હતું. તેમને પક્ષમાંથી આઝાદ કરવી એટલે કે કાઢી મૂકવા સુધીની માગ ઊઠી હતી.

ત્યાર બાદ કોંગ્રેસમાં ચાલતુ ઘમાસાણ રોકાય તેમ લાગતું નહતુ. ગયા વર્ષે પક્ષમાંથી નીકાળવામાં આવેલા નવ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસના વચગાળાના વડા સોનિયા ગાંધીને એક પત્ર મોકલ્યો હતો, જેમા કહેવામાં આવ્યું હતું  કે પક્ષને ઇતિહાસ બનવાથી બચાવી લો. તેની સાથે તેમને કુટુંબના મોહથી ઉપર ઉઠને કામ કરવાની અપીલ કરવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ સાંસદ સંતોષસિંહ, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ચૌધરી, ભૂધર નારાયણ મિશ્રા, નેકચંદ પાંડે, સ્વયં પ્રકાશ ગોસ્વામી અને સંજીવસિંહની સહીવાળા પત્રમાં કહેવાયું છે કે કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં તેના અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.

(11:16 pm IST)