Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

નિરવ મોદી માટે મુંબઈની આર્થરરોડ જેલ યોગ્ય રહેશે

લંડનની ક્રાઉન કોર્ટને આપવામાં આવેલી માહિતી : નિરવ મોદીએ કોઇ પણ ભોગે પોતાને ભારતને સોંપવામાં ન આવે એ માટે લંડનની કોર્ટમાં મરણિયા પ્રયાસો કર્યા

નવી દિલ્હી, તા. ૧૧ : ભારતીય બેંકોને અબજો રૂપિયાનો ચૂનો ચોપડીને ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદી માટે મુંબઇની આર્થર રોડ જેલની બરાક નંબર ૧૨ યોગ્ય રહેશે,તેમ લંડનની ક્રાઉન પ્રોસિક્યુશન કોર્ટને માહિતી આપવામાં આવી છે.

હાલ નીરવ મોદી સામે ઇંગ્લેંડમાં પ્રત્યાર્પણ કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં હજુય નીરવ મોદી નાટક કરી રહ્યો હોય એેવી છાપ પડતી હતી. ગુરૂવારે એના વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે નીરવની માનસિક સ્થિતિ બરાબર નથી. એ આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યો છે. જેલમાં એને એકલો રાખવામાં આવે તો એની માનસિક સ્થિતિ વધુ વણસી શકે છે. લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં જસ્ટિસ સેમ્યુઅલ ગુઝી સમક્ષ રજૂઆત થઇ રહી હતી. નીરવ કોઇ પણ ભોગે પોતાને ભારતને સોંપવામાં ન આવે એ માટે મરણિયા પ્રયાસો કરી રહ્યો હતો. ગુરૂવારે સુનાવણીનો ચોથો દિવસ હતો.

નીરવના વકીલે કોર્ટને કહ્યું હતું કે અત્યારે દુનિયાભરમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે ત્યારે નીરવને આર્થર રોડ જેલમાં પૂરતી સગવડો ન હોય તો નીરવની જિંદગી પર ગંભીર જોખમ સર્જાઇ શકે છે.

ગયા વર્ષના સપ્ટેંબરથી આ વર્ષના ઑગષ્ટ વચ્ચે ચાર વખત નીરવની માનસિક સ્થિતિનો અભ્યાસ કરી ચૂકેલા વરિષ્ઠ ફોરેન્સિક સાઇકીએટ્રીસ્ટ ડૉક્ટર એન્ડ્રયુ ફોસ્ટરે કોર્ટને કહ્યું હતું કે નીરવની માનસિક સ્થિતિ બગડે તો એ આત્મહત્યા કરવા સુધી જઇ શકે છે.

(12:00 am IST)