Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સરકારની લડાઈ કોરોના સામે છે કે કંગના રણૌત સામે? : ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

કંગના રણૌત મુદ્દે નિવેદનબાજી કરવાનો કોઈ અર્થ નથી : તેમની લડાઈ કોરોના સાથે નથી, કંગના સાથે છે, કોરોનાથી લોકો મરે છે પરંતુ સરકારને તેની પડી નથી : ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ, તા. ૧૧ : મહારાષ્ટ્ર સરકાર અને કંગના રણૌત વચ્ચેનું ઘર્ષણ દિવસે દિવસે વધી રહ્યું છે. કંગનાની ઓફિસ તોડ્યા પછી વિપક્ષી પાર્ટીના નેતા આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારને લાગે છે કે તેમની લડાઈ કોરોના સાથે નથી, કંગના સાથે છે. કોરોના વાઈરસથી લોકો મરી રહ્યા છે. પરંતુ સરકારને તેની પડી નથી. મારૂ માનવું છે કે સરકાર આની અડધી શક્તિ પણ કોરોના સામે લડવામાં દેખાડશે તો, કદાચ આપણે લોકોના જીવ બચાવી શકીશું. ફડણવીસે કહ્યું કે, મને લાગે છે કે સરકારને કંગનાથી વધારે કોરોના પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે, કંગનાનો મુદ્દો ભાજપે નથી ઉછાળ્યો. કંગનાનો મુદ્દો મહારાષ્ટ્ર સરકારે ઉછાળ્યો છે, તેનું ઘર તોડ્યું, નિવેદનબાજી કરી કે તેણે મુંબઈ ન આવવું જોઈએ. કંગના કોઈ રાષ્ટ્રીય નેતા નથી.

         કંગનાની ઓફિસ તોડવા અંગે પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર દાઉદનું ઘર કેમ નથી તોડતી?. કંગનાનું ઘર તોડવા માટે તૈયાર થઈ જાય છે. ડ્રગ્સના કેસ અંગે ફડણવીસે કહ્યું કે, આ અંગે હાલ NCB તપાસ કરી રહી છે હાલ કેસ કોર્ટમાં છે એટલા માટે હું આ મુદ્દે વધારે નહીં કહું, પણ મને લાગે છે કે આ મુદ્દાને મૂળથી ખતમ કરી દેવો જોઈએ.

(12:00 am IST)