Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પાકિસ્‍તાનમાં હિન્દુ છોકરીઓનું અપહરણ કરીને જબરદસ્‍તીથી ઇસ્‍લામ કબુલ કરાવવા વિરૂદ્ધ હવે સંયુક્ત રાષ્‍ટ્ર મહાસભાના સત્ર દરમિયાન અવાજ ઉઠાવાશે

વોશિંગ્ટન: પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું અપહરણ કરીને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરવવા વિરુદ્ધ હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન અવાજ ઉઠાવવામાં આવશે. 26 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં યોજાનારા આ સત્ર દરમિયાન અમેરિકામાં રહેતા સિંધી સમુદાયના લોકો પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. અમેરિકામાં રહેતા સિંધી સમુદાયના લોકોનું સંગઠન 'સિંધી ફાઉન્ડેશન' પાકિસ્તાનમાં થઈ રહેલા ધાર્મિક ઉત્પીડન વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતું રહે છે.

સિંધી ફાઉન્ડેશન હવે 26 સપ્ટેમ્બરના રોજ SaveSindhiGirl ના બેનર હેઠળ આ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. 26 સપ્ટેમ્બરના રોજ યુએનજીએના સત્રને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સંબોધન કરવાના છે.

સિંધી ફાઉન્ડેશનનો દાવો છે કે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન મોટી સંખ્યામાં જબરદસ્તીથી ધર્મપરિવર્તનના મામલા સામે આવ્યાં છે. સિંધી ફાઉન્ડેશનનો એવો પણ દાવો છે કે પાકિસ્તાનમાં દર વર્ષે લગભગ 1000 સિંધી હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને તેમના જબરદસ્તીથી લગ્ન કરાવવામાં આવે છે. તેમનો ધર્મ બદલવામાં આવે છે. દર મહિને લગભગ 40-60 સિંધી યુવતીઓનું ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે.

પાકિસ્તાનના માનવાધિકાર આયોગના જણાવ્યાં મુજબ જાન્યુઆરી 2004થી મે 2018 સુધીમાં સિંધી યુવતીઓના અપહરણના 7430 મામલા સામે આવ્યાં છે. આ તો એ આંકડા છે જેમાં કેસ દાખલ થયા છે. અનેક મામલાઓ તો એવા છે જેમાં કેસ દાખલ થયા જ નથી. આવામાં એવો અંદાજો લગાવી શકાય કે સિંધી યુવતીઓના અપહરણ અને તેમના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના મામલે આના કરતા ઘણા વધારે હોઈ શકે.

પાકિસ્તાન માનવાધિકાર આયોગના જણાવ્યાં મુજબ જ્યારે પરિવાર પોતાની પુત્રીના અપહરણની ફરિયાદ લઈને પોલીસ પાસે જાય છે તો પોલીસ એફઆઈઆર નોંધતી નથી કે સાંભળતી પણ નથી. જેના કારણે અપહ્રત યુવતીઓને ધમકી અપાય છે અને તે બીચારી ચૂપ રહીને સહન કરે છે. તેમનો ધર્મ બદલી નાખવામાં આવે છે. સિંધી ફાઉન્ડેશનનો દાવો છે કે પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓની સાથે થઈ રહેલા અત્યાચારમાં અનેક રાજનેતાઓ, ધાર્મિક નેતાઓ, અને પાકિસ્તાનના સેના સામેલ છે.

તેમાંથી એક નામ મિયા મિટ્ઠુ છે જે પાકિસ્તાનમાં ધાર્મિક નેતા છે. જેના પર અનેક હિન્દુ સિંધી યુવતીઓને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો આરોપ છે. તેના પાકિસ્તાની સેના અને પાક પીએમ ઈમરાન ખાન સાથે સીધા સંબંધ છે.

(5:26 pm IST)