Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

૭.૭ કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર ૩૦ ફુટ લાંબી પાંખવાળા જીવ હતા

કેનેડાના આલ્બર્ટા ડાયનાસોર પાર્કમાં મળ્યા દુર્લભ અશ્મિ : સમુદ્ર વિસ્તારમાં રહેતા હતા આ જીવો

લંડન, તા. ૧ર : વૈજ્ઞાનિકોએ ઉડનારા સૌથી મોટા જીવના અશ્મિ મળ્યા હોવાનો હવે દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું માનવામાં આવે તો ક્રાયોડ્રોકોન બોરિયસ નામનો આ જીવ ૭.૭ કરોડ વર્ષ પહેલા અસ્તિત્વમાં હતો. તેની લંબાઇ ૧૩ ફુટ, પાંખની લંબાઇ ૩૦ ફુટ અને વજન લગભગ રપ૦ કિલો હતું તેના અશ્મિ કેનેડાના આલ્બર્ટા ડાયનાસોર પાર્કમાં મળ્યા હતાં.

આ દુર્લભ જીવનો આકાર અને ઉડ્ડયન ક્ષમતાની જાણ થયા પછી લંડનની કવીન મેરી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આશ્ચર્ય મુગ્ધ થઇ ગયા છે. યુનિવર્સિટી ઓફ સઘર્ન કેલીફોર્નિયાના અશ્મિ વૈજ્ઞાનિક માઇકલ હબીબ કહે છે કે આ પ્રકારના જીવો એક હાડકા પર આધારિત હોય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તે કેવી રીતે ઉડતું હતું અને કેવી રીતે રહેતું હતું તેની માહિતી મેળવવા પર ભાર મૂકાઇ રહ્યો છે તેનો અભ્યાસ થઇ રહ્યો છે.

કવીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના વૈજ્ઞાનિક ડોકટર ડેવિડ હોન જણાવે છે કે અમે આ જીવ વિષે જાણતા હતા, પણ શોધખોળમાં તે બીજા જીવોથી એ એકદમ અલગ નિકળ્યો જેથી તેને આ નામ અપાયું છે. તેની પાંચ મીટરની પાંખો, પગ, ગળુ અને બીજા અંગો મળ્યા છે. એ જ રીતે તેની ગરદનનો એક મોટો ભાગ મળ્યો છે જેની તપાસ પછી કહેવાયું છે કે તે કોઇ મોટા ક્રાયોડ્રાકોન બોરિયસનો છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે આ પ્રકારના અશ્મિ મેગોલીયા, ફ્રાંસ અને બીજા દેશોમાં પણ મળ્યા હતા, પણ તેમાં સમાનતા જોવા નથી મળી. અલ્બર્ટામાં બહુજ ઠંડી હોય છે અને સમુદ્ર કિનારો હોવાથી તે અહીંયા રહેતું હતું.  અહીં તેને સરળતાથી ખાવાનું મળી રહેતું હતું.

વૈજ્ઞાનિકો અનુસાર, આ જીવ માંસાહરી હતો જે ચાવી નહોતો શકતો. ગરદન લાંબી હોવાના કારણે તે નાના જીવો જેવા કે ગરોળીથી માંડીને ડાયનાસોરના બચ્ચા સુધીનાને સહેલાઇથી ગળી જતો હતો.

(4:02 pm IST)