Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને એક વર્ષ સુધી ઈએમઆઈમાં છૂટ

સરકાર દ્વારા મોટો ફેરફારઃ હવે ઈએમઆઈ રિકવરી પ્લાન જુલાઈ-૨૦૨૦ બાદ શરૂ થશે

નવી દિલ્હી, તા. ૧૨ :. વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકારે મોટો બદલાવ કર્યો છે. સરકારે ઉજ્જવલા યોજનામાં નવા ગ્રાહકો પાસેથી ઈએમઆઈ વસુલવાનો પ્લાન હાલ મોકુફ રાખ્યો છે. હવે નવા ગ્રાહકોએ એક વર્ષ સુધી ઈએમઆઈ આપવો પડશે નહીં. ઉજ્જવલા યોજના હેઠળ ગ્રાહકોને વિનામૂલ્યે ગેસ કનેકશન મળે છે.

આ યોજનામાં બદલવાનો લાભ ૨૦૧૯થી જોડાનાર ગ્રાહકોને જ મળશે. ઓઈલ કંપનીઓએ જુલાઈ ૨૦૨૦ સુધી ઈએમઆઈ રિકવરી પ્લાન મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.

ઉજ્જવલા યોજના હેઠળ ગ્રાહકને એક સ્ટવ અને એક એલપીજી સિલિન્ડર મળે છે. જેની કુલ કિંમત રૂ. ૩૨૦૦ છે. જેમાં સરકાર રૂ. ૧,૬૦૦ની સબસિડી આપે છે. બાકીના રૂ. ૧૬૦૦ ઓઈલ કંપની ગ્રાહકને લોન સ્વરૂપે આપે છે.

ગ્રાહકોને તેનુ પેમેન્ટ સરખા માસિક હપ્તા એટલે કે ઈએમઆઈ દ્વારા કરવાનું હોય છે, પરંતુ હવે ગ્રાહકોને રાહત મળશે કે તેમણે એક વર્ષ સુધી ઈએમઆઈની ચુકવણી કરવી પડશે નહિ અને આ રીતે ગ્રાહકોને સબસિડીની પુરી રકમ મળશે. જુલાઈ ૨૦૨૦ બાદ તેમનો ઈએમઆઈ શરૂ થશે.

(3:35 pm IST)