Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

નવા ટ્રાફીક રૂલ્સની વિરૂદ્ધમાં ભાજપ શાસિત ૩ સહિત કુલ ૭ રાજ્યોએ ધોકો પછાડયોઃ કેન્દ્ર પાસે માંગ્યો કાનૂની અભિપ્રાય

ગોવાના પરિવહન મંત્રી કહે છે કે અમે ડીસેમ્બર સુધીમાં રોડ રીપેર કરી લેશુ પછી જાન્યુઆરીથી દંડ વસુલશું

નવી દિલ્હી, તા. ૧૨ :. કેન્દ્ર સરકાર તરફથી મોટર વાહન એકટમાં ફેરફાર કરાયા બાદ ટ્રાફીક નિયમોના ઉલ્લંઘન કરવા પર ભારેખમ દંડ વસુલવાના વિરોધમાં અડધો ડઝનથી વધુ રાજ્યો સામે આવ્યા છે. જેમાં ભાજપ શાસિત ૩ રાજ્યો સહિત કુલ ૭ રાજ્યો છે. ભાજપ શાસિત રાજ્યોમાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર અને ગોવા જોડાયા છે.

આ રાજ્યો કેન્દ્ર સરકાર તરફથી પ્રસ્તાવિત ભારેખમ દંડની રકમને ઘટાડવાના પક્ષમાં છે તો કેન્દ્ર સરકારે આ મામલામાં કાનૂની સલાહ માંગી છે. ગુજરાત અને ઉત્તરાખંડે પહેલાથી જ રાહત અંગેની જાહેરાત કરી છે. ગઈકાલે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી દિવાકર રાવટેએ કેન્દ્રને પત્ર લખી દંડની ભારે રકમ પર ફેરવિચારણા કરવા કહ્યુ છે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને લખેલા પત્રમાં રાવટેએ કહ્યુ છે કે સુરક્ષાની દ્રષ્ટિથી આ ફેરફારો યોગ્ય છે પરંતુ દંડની રકમ ઘણી વધારી દેવામાં આવી છે. આનાથી લોકોમા આક્રોશ છે. કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે તે આ બાબતે પુનઃ વિચાર કરે અને કેન્દ્રીય કાનૂનમાં યોગ્ય ફેરફારો કરી આ દંડની રકમને ઘટાડવામાં આવે.

અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારના પરિવહન મંત્રી રાવટેએ દંડ ઘટાડવા આગ્રહ કર્યો છે. તેમણે કહ્યુ છે કે સરકારે પહેલા રસ્તા પરના ખાડાઓ રીપેર કરવા જોઈએ.

ગોવાના પરિવહન મંત્રીએ જણાવ્યુ છે કે, અમે ડિસેમ્બર સુધીમાં તમામ રોડને રીપેર કરી લેશુ અને પછી જાન્યુઆરીથી દંડ વસુલ કરશું.

(11:40 am IST)