Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

આધાર કાર્ડને હવે ફેસબુક, ટિવટર સાથે જોડવાની તૈયારી!

સરકારે UIDAI પાસેથી અભિપ્રાય માગ્યો

નવી દિલ્હી, તા.૧૨: આધાર કાર્ડને હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટ્વિટરની સાથે લિંક કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડ આઇટીએ આ અંગે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઇડીએઆઇ) પાસેથી અભિપ્રાય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગયા મહિને આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી અભિપ્રાય માગ્યો હતો. મિનિસ્ટ્રીના એક અધિકારીએ આ વાતની જાણકારી આપી છે. અધિકારીના જણાવ્યા મુજબ, આધારને સોશિયલ મીડિયા સાથે લિંક કરવાનો માર્ગ સરળ નથી. આનાથી વધારે લાભ થશે નહીં.

અધિકારીએ જણાવ્યું હતું કે, યુઆઇડીએઆઇ પાસેથી સોશિયલ મીડિયા એકાઉન્ટની સાથે આધાર લિંક કરવા અંગે અભિપ્રાય માગ્યો છે. સોશિયલ મીડિયા એકાઉન્ટની સાથે આધાર લિકિંગ થોડું મુશ્કેલ છે કેમકે આધારનો ઉપયોગ સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સબ્સિડી સાથે સંલગ્ન યોજનાઓ માટે થઇ રહ્યો છે.

અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, જો કોઇપણ રીતે આધારને સોશિયલ મીડિયા સાથે લિંક કરવાની મંજૂરી મળી જાય છે તો આનો કોઇ લાભ થશે નહીં. ગુનાની સ્થિતિમાં સરકાર આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર અને વધારાની વિગતોની તપાસ કરવા માગશે પરંતુ આધાર એકટ હેઠળ આ બધું ગેરકાયદે છે.(૨૩.૩)

(10:06 am IST)