Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સયુંકત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનને ફરી પછડાટ: કાશ્મીર મામલે હસ્તક્ષેપ નકાર્યો :બંનેએ વાતચીત કરીને ઉકેલ લાવવો જોઈએ

મહાસચિવએ આ મુદ્દે મધ્યસ્થી કરવાનો ઇનકાર કરી દીધો: કાશ્મીર ભારતનો આંતરીક મામલોહોવાનો સંકેત આપ્યો

 નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં પ્રતિનિધિ માલિહા લોધી દ્વારા UN જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસ સામે કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરવા માટેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે એન્ટોનિયો ગુટેરેસનાં પ્રવક્તા સ્ટેફિન દુજારેકે નિવેદન આપ્યું છે કે ભારત-પાકિસ્તાને કોઈ પણ આક્રમક વલણ ટાળવું જોઈએ અને બંને દેશોએ એકબીજા સાથે વાતચીત કરી આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.

પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરનો મુદ્દો સતત આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ઉઠાવવામાં આવી રહ્યો છે અને ચારે બાજુથી તેના હાથમાં નિરાશા જ આવી રહી છે. હવે, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ તરફથી પણ પાકિસ્તાનને નિરાશ થવાનો વારો આવ્યો છે.

ગુટેરેસ કહે છે કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો કરીને ઉકેલી લેવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવએ આ મુદ્દે મધ્યસ્થી કરવાનો ઇનકાર કરી દીધો છે અને તેના જવાબમાં એવું કહેવામાં આવ્યું છે કે જો ભારત કહે છે તો તેના પર વિચાર કરવામાં આવશે.UN દ્વારા આવું કહી સાબિત કરી દેવામાં આવ્યું છે કે, કાશ્મીર ભારતનો આંતરીક મામલો છે

ખરેખર, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પ્રતિનિધિ માલિહા લોધી દ્વારા એન્ટોનિયો ગુટેરેસની સામે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફિન દુજારેક દ્વારા હવે નિવેદન આપવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાને કોઈપણ આક્રમક વલણથી બચવું જોઈએ અને બંને દેશોએ એકબીજા સાથે વાત કરીને આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.

તમને જણાવી દઈએ કે એન્ટોનિયો ગુટેરેસે ગયા મહિને G-7 શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, આ ઉપરાંત તેઓ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીને પણ મળ્યા હતા.

બુધવારે પાકિસ્તાનનાં માલિહા લોધીએ યુએન સેક્રેટરી જનરલને મળી અને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. આ બેઠક પછી જ્યારે મીડિયા વતી પ્રશ્નો ઉભા થયા ત્યારે યુએન સેક્રેટરી જનરલે કહ્યું કે મધ્યસ્થી અંગે યુએનનું સ્થાન પહેલા જેવું જ છે. તેમણે કહ્યું કે જો આવી અપીલ બંને પક્ષો દ્વારા કરવામાં આવશે તો તે અંગે નિર્ણય લેવામાં આવશે.

(12:00 am IST)