Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ચંદ્રબાબુ નાયડુ અને તેમના પુત્રને નજરકેદ કરી લેવાયા

આંધ્રમાં ટીડીપી-વાયએસઆરસીપી વચ્ચેની રાજકીય લડાઈ ઉગ્ર બની

અમરાવતી, તા. ૧૧ :. આંધ્ર પ્રદેશમા વર્તમાન વાયએસઆરસીપી સરકાર અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ટીડીપી વચ્ચે જારી લડાઈએ એક નવો વળાંક લીધો છે. પૂર્વ સીએમ નાયડુ પક્ષના કાર્યકરો અને નેતાઓની સાથે ગુંટુર જિલ્લામાં સરકારના વિરોધમાં એક રેલી કરવાના હતા. જો કે આ રેલીની પરવાનગી ન મળતા તેમણે ભૂખ હડતાલ કરવાનો નિર્ણય કર્યો હતો. જે પછી તેમને અને તેમના પુત્ર નર લોકેશને તેમના જ ઘરમાં નજરકેદ કરી લેવાયા છે.

ટીડીપીએ આજે ગુંટુરના પલનાડુમાં ચલો આત્મકુરૂ રેલી યોજી હતી. પક્ષ રાજયમાં રાજકીય હિંસાના આરોપમાં એક રેલી કરવાનો હતો. જો કે પોલીસે પરવાનગી આપી નહોતી અને ૧૪૪મી કલમ લાગુ કરી હતી. પોલીસે રાજ્યમાં ટીડીપીના અનેક નેતાઓને નજરકેદ કરી લીધા છે.

ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ સવારે ૯ વાગ્યે આત્મકુરૂ માટે નિકળવાના હતા પરંતુ તેમને રોકી લેવાયા હતા તે પછી તેમણે તેમના ઘર પર જ ૧૨ કલાકની ભૂખ હડતાલનું એલાન કર્યુ હતું. તેમણે ટીડીપી કેડરને પણ ભૂખ હડતાલ કરવાનું કહ્યુ હતુ. બાદમાં તેમને અને તેમના પુત્રને નજરકેદ કરી લેવાયા હતા.

જે પછી તેમના ઘર પર ભારે નારેબાજી થઈ હતી. પોલીસ અને કાર્યકરો વચ્ચે અથડામણ પણ થઈ હતી. પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી છે.

(10:28 am IST)