Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સરકારના ૧૦૦ દિવસઃ શેરબજારમાં રોકાણકારોના ૧૨.૫ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

૩૦મે મોદી સરકારનો બીજો કાર્યકાળ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં રોકાણકારો ધોવાયા

નવી દિલ્હી, તા.૧૧: ૩૦મે ૨૦૧૯ના રોજથી મોદી સરકારનો બીજો કાર્યકાળ શરુ થયાના ૧૦૦ દિવસ પછી રોકાણકારોના ૧૨.૫ લાખ કરોડ રુપિયા ડૂબી ગયા છે. સોમવારે શેર માર્કેટ બંધ થવાના સમયે BSEમાં લિસ્ટેડ કંપનીઓની બજાર કિંમત ૧,૪૧,૧૫,૩૧૬.૩૯ કરોડ રુપિયા હતા, જયારે મોદી સરકારે સત્ત્।ા સંભાળ્યાના એક દિવસ પહેલા આ બજાર કિંમત ૧,૫૩,૬૨,૯૩૬.૪૦ કરોડ રુપિયા હતી.

૩૦મેથી  અત્યાર સુધી BSEના સૂચકાંક સેંસેકસ ૨,૩૫૭ અને NSE સૂચકાંક નિફટી ૫૦માં ૮૫૮ પોઇન્ટનો ઘટાડો નોંધવામાં આવી ચૂકયો છે. શેર બજાર નિષ્ણાંતો મુજબ શેર બજારમાં આવેલી મંદીના કારણોમાં આર્થિક વિકાસની ધીમી ગતિ તેમજ વિદેશી રોકાણાનું ઓછુ થવું અને કોર્પોરેટ કંપનીઓની કમાણીમાં ઘટાડો સામેલ છે.

ભારતમાં વિદેશી રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો છે કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમને જૂલાઇમાં જાહેર કરેલા પ્રથમ બજેટમાં તેમની પર સુપર-રિચ ટેકસ લાગૂ કર્યો હતો, જો કે આ ટેકસને એક મહિના પછી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. NSDL દ્વારા એકત્રિત કરાયેલી માહિતી પરથી જાણવા મળે છે કે, વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ સરકાર રચાયા પછી અત્યાર સુધી ૨૮,૨૬૦.૫૦ કરોડ રુપિયાના શેર વેચી ચૂકયા છે.

IDBI કેપિટલમાં રિસર્ચ પ્રમુખ એ.કે. પ્રભાકર મુજબ બજારોમાં મંદીની શરુઆત મોદી સરકારના બીજા કાર્યકાળના શરુ થયાના ઘણા સમય પહેલા જ થઇ ગઇ હતી અને IL&FS સમસ્યા પછી મંદી વધી હતી. તેમના મુજબ સી મિડ અને સ્મોલ કેપ કંપનીઓની સ્થિતિમાં નોંધનીય સુધારો છે અને વર્તમાન સમયમં તેમનું મૂલ્યાંકન વધ્યું છે. હાલમાં પરિસ્થિતિઓમાં સુધારાની આશા કરી શકાય એમ છે.

અમેરિકા-ચીન ટ્રેડવોરને કારણે મેટલ ઇન્ડેકસમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે, એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી હોવા છતા ચીન સસ્તુ સ્ટીલ વેચી રહ્યું છે, જેના કારણે સ્ટીલ કંપનીઓએ ભારે નુકસાન વેઠવુ પડ્યું છે.(૨૩.૩)

(10:07 am IST)